Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોરબીમાં રાજકોટના રાહુલ કોટેચા પાસેથી બે ભાગીદારોએ ૬.૯૦ લાખ પડાવી લીધા

હિસાબમાં ગોલમાલની શંકાએ બળજબરીથી ફલેટનું સાટાખત પણ કરાવી લીધુઃ મોરબીના વિજય વિઠ્ઠલાણી અને ટંકારાના હિતેષ ગેડીયા સામે પોલીસમાં ફરીયાદ

મોરબી, તા. ૨ :. મોરબીમાં રાજકોટના યુવાન પાસેથી બે ભાગીદારોએ ધાકધમકીઓ આપી ૧૫ લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવવા માટે અને ફરીયાદીના ફલેટનું સાટાખત કરાવી લઈ રૂ. ૬.૯૦ પડાવી લીધાની ફરીયાદ મોરબી એ-ડિવી. પોલીસ મથકે નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ લીડઝ-૨ના બ્લોક નં. ૪૦૧ મા રહેતા અને હાલમાં રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલ મારૂતિનગર-૨ના ગોકુલ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા અને ખાનગી નોકરી કરતા ફરીયાદી રાહુલ અશ્વિનભાઈ કોટેચા-લોહાણાએ મોરબીના દાઉદીપ્લોટ શેરી નં. ૩ માં રહેતા વિજય રાજેશ વિઠ્ઠલાણી અને ટંકારાના ઉગમણા નાકે રહેતા હિતેષ ગેડીયા સામે પોતાની પાસે રૂ. ૧૫ લાખ પડાવવા અવારનવાર ફોન પર ધમકી આપતા હોવાનું પોતાના ફલેટનું આરોપીઓએ સાટાખત કરાવી લીધાનું અને પોતાની પાસેના રૂ. ૬.૫૦ લાખ રોકડા, ટીવી, એસી સહિત કુલ રૂ. ૬.૯૦ લાખનો મુદામાલ પડાવી લીધાનું જણાવ્યુ છે. ફરીયાદી રાહુલ અને આરોપી વિજય અગાઉ ભાગીદારીમાં નોન આલ્કોહોલીક બીયર તેમજ એસ્સેમ્બલ ટીવીનો ધંધો કરતા હતા. દરમિયાન આરોપીને લાગ્યુ કે રાહુલ હિસાબમાં ગોટાળા કરે છે અને સમયસર હિસાબ આપતો નથી અને તેની પાસે પોતાના નફાના રૂપિયા નીકળે છે તેથી આરોપીએ રૂ. ૧૫ લાખની માગણી કર્યાનું અને તેમા હિતેષ ગેડીયાનો સાથ લઈ ફરીયાદીના ફલેટનું સાટાખત કરાવી રૂ. ૬.૯૦ લાખનો મુદ્દામાલ પડાવી લીધાનું તપાસનીશ અધિકારી એમ.વી. પટેલે જણાવ્યુ હતુ. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:26 pm IST)