Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઉધાર તમાકુ આપવાની ના પાડી આરંભડાના યુવાનને મારમાર્યો

ઓખા મંડળના આરંભડા ગામની સીમમાં રહેતા વિરમભાઇ કમાભાઇ પરમાર (ઉ.વ.૪૮) ,કૈલાશભાઇની દુકાને ઉધાર તમાકુ લેવા ગયા હતા ત્યારે આરોપી કમલેશભાઇએ બાકીમાં તમાકુ આપવાની  ના પાડી, ઝઘડો કરી સાથે રહેતા તેના પત્ની કરીશ્માબેન કૈલાશભાઇએ મારકુટ કર્યાની તથા ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૫,૩૨૩,૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસર તપાસ હાથ ધરી છે.

 ઓખાની પરિણીતાને ત્રાસ

ઓખા વિસ્તારમાં રહેતી સમીરાબેન જાવેદભાઇ થૈયમ નામની પરણિત યુવતીને તેણીના લગ્નજીવનના એકાદ વર્ષ પછી થી તેણીના પતિ જાવેદ સીદ્દીક થૈયમ દ્વારા અન્ય સાસરીયાઓ સીદ્દીક આમદ થૈયમ, હલીમાબેન સીદ્દીક,  હુશેનાબેન ફરીદ, અબ્બાસ સીદ્દીક, અને ઉમર સીદ્દીક નામના સાસરીયાઓની ખોટી ચડામણીથી મારકુટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

પતિ સહિતના  છ સાસરીયાઓના આ શારીરીક- માનસીક ત્રાસથી કંટાળીને આખરે પરિણિતા સમીમબેનને તેણીની ત્રણ વર્ષની માસુમ પુત્રી સાથે પહેર્યા કપડે ઘર છોડીને નીકળી જવાની ફરજ પાડી હતી.

દ્વારકામાં નડતરરૂપ  રેકડીઓ સામે ઝુંબેશ

દ્વારકામાં ટ્રાફિક નિયમન કામગીરી કથળી રહી હોવાની  ફરિયાદો વચ્ચે પોલીસે એકાએક ટ્રાફીકલક્ષી કામગીરી કરી, ભથાણ ચોકમાં નડતરરૂપ રેકડીઓ રાખવા સબબ ચંદ્રેશ રવજીભાઇ પરમાર , જીતેન્દ્ર ભાણજીભાઇ પરમાર, મનોજ ટપુભાઇ નકુમ અને સંજયભાઇ લખમણભાઇ પરમાર નામના ચાર આસામીઓની સામે ગુનો નોંધી, કલમ ૨૮૩ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં દારૂ સાથે પકડાયો

ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં ટેલિફોન એક્ષ્ચેંજ  પાસે રહેતા નાગાજણ ઉર્ફે નાગડો કરમણભાઇ ડોસાણી (ઉ.વ.૨૪) નામના ગઢવી શખ્સને પોલીસે રૂ. ૫૦૦ની કિંમતની એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઇ, પ્રોહી.એકટ હેઠળ ધોરણસર કાર્યવાહી  હાથ ધરી છે.

જીંદગી ટુંકાવી

ખંભાળિયા  ચૂનારાવાસ ખાતે રહેતા લક્ષ્મીબેન હીરાભાઇ બગડા નામની ૨૦ વર્ષની યુવતીએ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. તપાસ પી.એસ.આઇ. ઠાકરીયાએ હાથ ધરી છે.

સર્પદશં થતા ભાણવડના વૃધ્ધનુ મૃત્યુ

ભાણવડ તાલુકાના ભોરીયા વાડી વિસ્તારમાં રહેતા લખુભાઇ  મેપાભાઇ નનેરા નામના ૬૫ વર્ષના સગર વૃધ્ધ તેમના  ખેતરમાં તલના પાકમાં પાણીનું પિયત કરી રહ્યા હતા ત્યારે તેમને ઝેરી સર્પ દંશ દેતા તેમનું મૃત્યુ નીપજ્યુ હોવાની જાણ મૃતકના પુત્ર રાજેશ લખુભાઇ નનેરાએ ભાણવડ પોલીસને કરી છે.

(1:25 pm IST)