Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વિઠ્ઠલવાવ અને માલિસયાણ પાસે 'હિટ એન્ડ રન'ની બે ઘટનાઃ બે મોત

ઠેબચડાના કોળી યુવાન રવજીભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૪૨) ત્રંબા ધીરાણ ભરવા જતા'તા ત્યારે વિઠ્ઠલવાવ પાસે કાર ચાલક ઉલાળીને ભાગી ગયોઃ ભગવતીપરાના મહેશભાઇ બાંભણીયા (કોળી) (ઉ.૫૦) લગ્નમાં હાજરી આપી રાજકોટ આવી રહ્યા'તા ત્યારે માલિયાસણ પાસે કારવાળો ઉલાળીને ભાગી ગયોઃ બંનેના સ્વજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૨: ત્રંબા નજીક વિઠ્ઠલવાવ પાસે અને કુવાડવા રોડ પર માલિયાસણ પાસે 'હિટ એન્ડ રન'ના બે બનાવમાં ઠેબચડાના કોળી યુવાનનું તેમજ ભગવતીપરાના કોળી પ્રોૈઢનું મોત નિપજ્યું છે. બંને જુદી-જુદી ઘટનામાં કારના ચાલકો ઠોકરે લઇ ભાગી ગયા હતાં. બનાવથી બંને હતભાગીના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. આજીડેમ પોલીસ અને કુવાડવા રોડ પોલીસે ગુના દાખલ કરી અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકોની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ ઠેબચડા રહેતાં અને ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવતાં  રવજીભાઇ નાનજીભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૪૨) ગઇકાલે રાજકોટ પૈસા ઉપાડવા પોતાનું બાઇક લઇને આવ્યા હતાં અને ત્યાંથી ત્રંબાની બેંકમાં ધીરાણ ભરવા માટે જઇ રહ્યા હતાં એ વખતે વિઠ્ઠલવાવ પાસે અજાણી કારનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં રવજીભાઇને માથામાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેણે દમ તોડી દીધો હતો.

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ ડી. બી. ગઢવી તથા જયંતિભાઇ વાવડીયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતકના ભત્રીજા ઠેબચડા રહેતાં અવકાશ સવજીભાઇ ચોૈહાણ (ઉ.૨૩)ની ફરિયાદ પરથી નાશી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર રવજીભાઇ પાંચ ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મોભી ગુમાવતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.

હિટ એન્ડ રનની બીજી ઘટના કુવાડવા રોડ પર માલિયાસણ પાસે બની છે. ભગવતીપરા મેઇન રોડ પર બંધુલીલા ડેરી પાસે રહેતાં મહેશભાઇ ભનુભાઇ બાંભણીયા (ઉ.૫૦) નામના કોળી પ્રોૈઢ રવિવારે માલિયાસણ ગામે રહેતાં તેના મામાના દિકરાના લગ્ન પ્રસંગે ગયા હતાં. ત્યાંથી ગઇકાલે પોતાનું બાઇક જીજે૩સીકયુ-૧૫૮૧  હંકારી પરત રાજકોટ આવવા નીકળ્યા ત્યારે માલિયાસણ ગામ નજીક જામનગર જવાના બાયપાસ પર અજાણી કારનો ચાલક ઠોકર મારી ભાગી જતાં માથા-હાથ-પગમાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર મહેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રો છે જેમાં એક હયાત નથી. કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. આર. એલ. ખટાણાએ મૃતકના પુત્ર ભાવેશ મહેશભાઇ બાંભણીયા (ઉ.૨૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક મહેશભાઇ ઘેર બેઠા ચાંદીકામ કરતાં હતાં. પુત્ર ભાવેશ મંડપ સર્વિસનું કામ કરે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૬)

 

(8:54 pm IST)