Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સૌરાષ્ટ્રભરમાં ઉનાળાનો અસલ મિજાજઃ ભાવનગર ૪૪.૧ ડીગ્રી

મહત્તમ તાપમાનમાં એકધારો વધારોઃ બપોરના સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કફર્યુ જેવો માહોલ

ભાવનગર : ૪૪.૧ ડીગ્રી સાથે ભાવનગર આજે પણ સમગ્ર રાજયનું સૌથી ગરમ શહેર બન્યુ હતું બપોરે કર્ફયુ જેવો માહોલ બજારમાં જોવા મળ્યો હતો. (તસ્વીર : મેઘના વિપુલ હીરાણી, ભાવનગર)

રાજકોટ તા. ર :.. ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચી જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આખો દિવસ ધોમધખતા તાપથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અસહ્ય ગરમીના કારણે પશુ, પક્ષીઓ પણ હેરાન થઇ રહ્યા છે.

દિવસ અને રાત્રીનાં અસહ્ય બફારાનો અનુભવ થઇ રહ્યો છે અને લોકો ગરમીના કારણે ઘરમાં જ પુરાઇ રહે છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

મહત્તમ તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર કરી જતા હિટવેવની અસર વર્તાઇ છે અને લોકો ઠંડા પીણા,  શેરડી રસ, તરબુચ, આઇસ્ક્રીમ ખાઇને ગરમીમાં ઠંડક મેળવવા પ્રયાસ કરે છે.

ભાવનગર

 ભાવનગર : ગોહીલવાડમાં ઉનાળો પોતાના અસલ મીજાજમાં આવતો જાય છે. આજે તો તાપમાનનો પારો ભાવનગરમાં ૪૪.૧ ડીગ્રીને આંબતા ભાવનગર રીતસર અગનભઠ્ઠીમાં શેકાયુ હતું. સીઝનમાં આજનું તાપમાન અત્યાર સુધીનું હાઇએસ્ટ તાપમાન રહેવા પામ્યું છે.

સવારથી જ ભાવનગરમાં સૂર્ય નારાયણનો તાપ વધવાનું શરૂ થયું હતું. ને મધ્યાન સમયે તાપમાન એટલી હદે વધી ગયુ હતું કે રોડ પર રીતસર કર્ફયુ જેવો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો. ગરમ સુકો પવન ફુંકાતા જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.

આજે ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૪.૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ.૪ ડીગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને પવનની ઝડપ ર૦ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૭.પ લઘુતમ ર૮, ભેજ ૮૩ ટકા, પવનની ઝડપ ૧૯ કિ. મી. પ્રતિ કલાક રહી છે.

કુંકાવાવ

કુંકાવાવ : ઉનાળાની સીઝન ચાલી રહી હોય ત્યારે ચૈત્ર - વૈશાખ માસમાં ગરમીનું પ્રમાણ જોવા મળતુ હોય છે. પરંતુ આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પંથકમાં પ્રસરી રહી છે. તા. ર૯-૩૦ ના ૪૬ ડીગ્રી ઉષ્ણતામાન જોવા મળેલ છે.

સવારના ૧૦ વાગ્યાથી લોકો ગરમીના પવનનો અનુભવ થવા લાગે છે. બપોરથી સાંજના ચાર-પાંચ વાગ્યા સુધી હીટવેવ અનુભવાઇ રહ્યો છે. લોકો પણ આ સમય ઘરની બહાર શકય હોય ત્યાં સુધી નિકળતા નથી. તેમ છતાં હજુ ગરમીનું પ્રમાણ વધે તેવી શકયતા પણ સંશોધન કરતા ખેડૂતો જણાવી રહ્યા છે. તો દૂધાળા પશુને પણ લૂ લાગવાની ઓછૂ દૂધ કરવાની પણ ચર્ચાઓ થતી જોવા મળે છે.

પશુ દવાખાનેથી દૂધાળા પશુને ગોળનું પાણી, ઠંડા કંતાન કરી પશુની માવજતની સલાહ પણ અપાઇ રહી છે. જો કે વાતાવરણના વર્તારા ટૂંક સમયમાં વરસાદ થશે તેવી પણ ગણતરી ખગોળના જાણકારો અનુમાન લગાવી રહ્યા છે.

 

(11:59 am IST)