Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કોંગ્રેસ સંગઠન વધુ મજબુત કેમ બનાવવું? અમિત ચાવડા-પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં મોરબીમાં કારોબારી મિટીંગ

સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતોરા કરીને રેલી નીકળશે

મોરબી, તા., રઃ આજે બપોર બાદ મોરબી ખાતે પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ અમિતભાઇ ચાવડા તેમજ વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી આવનાર છે. ત્યારે કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે.

બન્ને કોંગ્રેસ અગ્રણીઓ અંદાજે ચાર વાગ્યાની આસપાસ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે. જયાં મોરબી જીલ્લાના કોંગ્રેસ અગ્રણીઓને મળી ચર્ચા વિચારણા કરશે અને ત્યાર બાદ ત્યાંથી નીકળી શહેરના નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતોરા કરી રેલી સ્વરૂપે શનાળા બાયપાસ પાસે આવેલ એપોલો હોલ ખાતે પહોંચશે.

કોંગ્રેસ અગ્રણીઓ, જીલ્લાના ધારાસભ્યો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલીકાના ચુંટાયેલા સભ્યો, હોદેદારો, સંગઠનના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરી વર્તમાન સમય અને આવનારા સમયમાં પક્ષને સંગઠનને વધુમાં વધુ મજબુત કેમ બનાવવું તે અંગે માર્ગદર્શન આપશે.

શહેરમાં પ્રવર્તમાન સમસ્યાઓ સામે પુર્ણ તાકાતથી વિરોધ કરી, જનતા જર્નાદનનો અવાજ બની વર્તમાન સરકાર, તંત્રના બહેરા કાન સુધી જનતાનો અવાજ પહોંચાડી જનતાના પ્રશ્નોને વાચા આપવા તેમજ ખભેખભા મિલાવી કામે લાગી જવા હાકલ કરશે. નવ નિયુકત નેતાઓ પ્રથમ વખત જ મોરબી આવતા હોવાથી કોંગીજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. (૪.૩)

(11:58 am IST)