Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દ્વારકા જિલ્લામાં ભાણવડ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા પુર્વ મંત્રી સાપરીયા

ખંભાળીયા, તા.૦૨: ચોમાસા પહેલા જળ સંચયનો વ્યાપ વધારવા રાજય સરકાર દ્વારા નકકર આયોજન કરી સમગ્ર રાજયના તળાવો ઉંડા કરવા માટે આજથી  ૩૧મે સુધી સુજલામ સુફલાજ જળ અભિયાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવનાર છે. સ્વૈચ્છીક સંસ્થાઓ, ઉદ્યોગકારો, ધાર્મિક અને શૈક્ષણીક સંસ્થાઓના સહયોગથી જળ સંચયના કામો મોટા પાયે હાથ ધરાશે. જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે દુધેશ્વર મંદિરની બાજુમાં ફલકુ નદીના કામનું ખાત મુહૂર્ત કરી પુર્વ મંત્રીશ્રી ચિમનભાઇ સાપરીયાએ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે શ્રી સાપરીયાએ ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા આપી જણાવ્યું કે રાજયમાં સૌ પ્રથમ ૨૦૦૨માં પાણીના સંગ્રહ અને રિચાર્જ અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે લોકજાગૃતિ લાવવા માટે યાત્રા કાઢવામાં આવી હતી અને રાજયમાં મોટી સંખ્યામાં ચેકડેમો બન્યા હતા. ચાલુ વર્ષે રાજયના મુખ્યમંત્રીશ્રીએ સંકલ્પ કરી મે માસમાં ઝુંબેશના સ્વરૂપે તળાવો ઉંડા કરવાની કામગીરી સ્વૈચ્છીક સંસ્થાઓ અને લોકભાગીદારીથી કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રીએ કહયું કે આપણા ગામે ૭૦૦ કિ.મી. દુરથી નર્મદાનું પાણી આવે છે તો તેનો કરકસરભર્યો ઉપયોગ કરીએ અને પાણીને બચાવીએ તેમજ મંત્રીશ્રીએ આ અભિયાનમાં સૌને સહયોગી બનવા અપિલ કરી હતી.

આ તકે ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન શ્રી મેદ્યજીભાઇ કણઝારીયાએ જણાવ્યું કે સમગ્ર રાજયમાં એક મહિનો તળાવો ઉંડા ઉતારવાની કામગીરી, જળાશયો ડીસ્લ્ટીંગ, હયાત ચેકડેમો ડીસ્લ્ટીંગ, નદીઓની સફાઇ, વગેરે કામગીરી થવાની છે સાથે સાથે ઓછા વરસાદને લીધે કેનાલો ખાલી હોવાથી કેનાલોની સફાઇ તથા પાણી પુરવઠા વિભાગ દ્વારા તમામ વાલ્વ બદલવાની કામગીરી પણ ઝૂંબેશ સ્વરૂપે કરવામાં આવશે. તેમણે ઉપસ્થિત ખેડુતોને જણાવ્યું કે આ એક માસ દરમ્યાન ખેતીમાં કાંપ ભરવા માટે વિના મુલ્યે તળાવમાંથી લઇ જઇ શકશો તેમજ તળાવમાં રહેલા બાવળ પણ બળતણ માટે લઇ જઇ શકશો.

આ પ્રસંગે કલેકટરશ્રી જે. આર. ડોડીયાએ જણાવ્યું કે આપણા જિલ્લામાં તળાવો ઉંડા કરવા, ચેકડેમો, નદીઓની સફાઇ, ખેત તલાવડી વગેરેના મળી કુલ ૧૨૬૭ કામો આ અભિયાન અંતર્ગત થશે. જિલ્લાની ઔદ્યોગિક કંપનીઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ વગેરે આમાં જોડાઇ સહકાર આપી કામ કરી રહી છે. કલેકટરશ્રીએ કહયું કે આપણે પાણી ઉત્પન્ન ન કરી શકીએ પણ બચાવી જરૂર શકીએ તેથી ઉપસ્થિત સૌને પાણી બચાવવા અપિલ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી સચિવ અને સેટલમેન્ટ કમીશ્નર નલીન ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, નગરપાલિકાના પ્રમુખ  જોશનાબેન સાગઠીયા, તાલુકા પંચાયત પ્રમુખ  ખીમભાઇ જોગલ, અગ્રણીશ્રી પાલાભાઇ કરમુર, જિલ્લા પંચાયત સદસ્ય વી.ડી.મોરી, પ્રાંત અધિકારીશ્રી જોશી, નાયબ કલેકટરશ્રી માંડોત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.

(11:50 am IST)