Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

તળાજાના ભગુડા ખાતે તિર્થસ્થાન મંગલધામનો ૨૨મો પાટોત્સવ ઉજવાયો

પૂં. મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકડાયરો રકતદાન કેમ્પ સંપન્ન

તળાજા તા.૨: તિર્થસ્થળ મંગલધામ-ભગુડા ખાતે મંદિરના ૨૨માં પાટોત્સવ નિમિતે સતત છઠ્ઠા વર્ષે, છ વિદ્યાપુરૂષોને 'મંગલશકિત એવોર્ડ' અર્પણ થયા હતા. આ વેળાએ પું. મોરારી બાપુના હસ્તે શંકરદાનજી દેથા-લીંબડી, યશકરણદાનજી રત્નુ- પોરબંદર, મુરૂભાઇ ગઢવી-છત્રાવા, વિદ્યારાજી હરીયાણી -રાજકોટ, લક્ષ્મણભાઇ બારોટ-મંગલધામ, ભજન શકિત, અને દેવરાજ ગઢવી-નાનો ડેરો-કચ્છને એવોર્ડ આપીને ભાવ વંદના કરવામાં આવી હતી.

આ વેળાએ પું. મોરારીબાપુ એ પ્રસન્નતાપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા ૫૦ વર્ષ થી હું જોઇ રહ્યો છુ કે આપણા દેશમાં જે તિર્થ સુશુપ્ત હતા તે જાગૃત થતા જાય છે. સાધુ-સંતોના સ્થાનો પ્રકાશિત થઇ રહ્યા છે. બધાની ચેતના જાગૃત થઇ રહી છે. આ દેશને કંઇ આંચ નહિ આવે જયાં સુધી લોકશ્રધ્ધા અકબંધ છે. બાપુએ ભગવતી-શકિતન મહાલક્ષ્મીના સ્વરૂપો અનેક સ્વરૂપોમાં મહાલક્ષ્મીના આઠ સ્વરૂપો અહી વ્યાખ્યાયીત કર્યા હતા. અને ભગુડામાં બેઠેલી મા જગદંબા આયુષ્ય લક્ષ્મી, આરોગ્ય લક્ષ્મી, રાજય લક્ષ્મી અને સંતાન લક્ષ્મી આપનારી છે. રાષ્ટ્રકલ્યાણની વાત ઉમેરીને બાપુએ જણાવ્યું કે દેશકાળ પ્રમાણે દેશને જરૂરી એવા ''સેવા રૂપેણ સંસ્થીતામ,સ્વચ્છતા રૂપેણ સંસ્થીતામ, સલીલ રૂપેણ સંસ્થીતામ અને અહિંસા રૂપેણ સંસ્થીતામ એવા જ સ્વરૂપોની દેશની જરૂર છે.''

બાદમાં ગુજરાતના ભજનિકો દ્વારા સંતવાણી રસ પીરસવામાં આવ્યો હતો. કાર્યકમમાં એક લાખ ઉપરાંત ભાવિકજનોની હાજરી રહી હતી. ભગુડા-મંગલધામ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ માં દર્દીઓને તપાસીને દવાઓ આપવામાં આવી હતી. રકતદાન કેમ્પમાં ૧૫૬ યુનિટ રકત એકત્ર થયુ હતું.

કાર્યક્રમના પ્રેરક-શુભેચ્છક લોક સાહિત્યકાર માયાભાઇ આહિર સ્વાગત પ્રવચન થકી સોૈન આવકાર્યા હતા. એવોર્ડ સમારંભમાં સંચાલન મહેશભાઇ ગઢવી એ સંભાળ્યું હતું. પુરૂષોતમ રૂપાલા, ભારતીબેન શિયાળ, ભરતભાઇ પંડયા તેમજ પુજય સાધુ-સંતોની પ્રેરક હાજરી રહી હતી. ભવ્યતાપૂર્વક યોજાયેલો સમગ્ર કાર્યક્રમ આવતા વર્ષના પાટોત્સવની રાહમાં સંપન્ન થયો હતો.

(11:48 am IST)