Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આકરા તાપમાં મેઇન્ટેનન્સનાં બહાને દર શનિવારે વિજકાપ ઝીકી કોડીનારને બાનમાં લેતું વિજતંત્ર

PGVCL ની અણ આવડતનાં કારણે શહેરીજનો ત્રાહીમામઃ કોડીનારમાં ભર ઉનાળે લાઇટના ભારે ધાંધીયા : હાલ લગ્નની સિઝન અને ભારે તાપમાં વિજકાપથી લોકોમાં PGVCLતંત્ર પ્રત્યે ભારે રોષ

કોડીનાર તા.૨: કોડીનાર શહેરભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી PGVCL તંત્ર દ્વારા  મેઇન્ટેનન્સ નાં બહાને દર શનિવારે વિજકાપ ઝીંકવામાં આવે છે, અને હાલ ભર ઉનાળે પણ આખો વર્ષ વિજકાંપ ઝીંકવા છતા વિજતંત્ર મેઇન્ટેનન્સ ના કરી શકયું હોય PGVCL અને તેના અધિકારીઓની અણઆવડત ના લીધે શનિવારના કલાકો ના વિજકાપ ઉપરાંત અન્ય દિવસો માં પણ વારંવાર વિજપુરવઠો ખોરવાતો હોય શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

કોડીનાર વિજતંત્ર દ્વારા દર શનિવારે ૬ થી ૧૨ કલાક નો વિજકાપ ઝીંકવામાં આવે છે. દર શનિવારે રીપેરીંગના બહાને કલાકો ના વિજકાપ બાદ પણ સામાન્ય દિવસો માં વિજ ધાંધીયા વધી રહ્યા છે, હાલ ભર ઉનાળાના આકરા તાપમાં વિજકાપ અને વારંવાર વિજપુરવઠો બંધ થઇ જતો હોય અસહ્ય ઉકળાટ અને બફારા ના કારણે વૃધ્ધો-દર્દીઓ-બાળકોની કફોડી સ્થિતિ સર્જાય રહી હોય આટ આટલા વિજકાપ છતાં મેઇન્ટેનન્સ ના કરી શકનાર અધિકારીઓની અણ આવડત સામે શહેરજનો માં ભારે રોષ ની લાગણી જન્મી છે. આખો વર્ષ દર શનિવારે વિજકાપ સહન કરવા છતા આવા  અસહ્ય તાપમાં વિજતંત્ર ની અણઆવડત કે અધિકારીઓનો લોકો ને હેરાન કરવાનો જાણે કુવિચાર હોય તેમ કલાકો લાઇટ બંધ રહેતી હોય આખો વર્ષ કરેલી મેઇન્ટેનન્સ ની ખોખલી કામગીરી ની પોલમપોલ ઉઘાડી પડી ગઇ છે. અમુક મેઇન્ટેનન્સની જરૂરીયાત વાળા વિસ્તારમાં પુરવઠો બંધ કરવાના બદલે મોટાભાગનાં વિસ્તારમાં વિજ કાપ ઝીંકી વિજતંત્ર દ્વારા શહેરને બાનમાં લેવામાં આવી રહ્યું છે. હાલ લગ્ન સિઝન પણ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે લગ્નપ્રસંગો મોટાભાગે શનિ-રવિ ના દિવસો માંજ ઉજવાઇ રહ્યા હોય-વિજકાપ ના કારણે લગ્નપ્રસંગો પણ બગડી રહ્યા છે. ગ્રાહકો વિજચોરી કરેતો શિક્ષાત્મક કાર્યવાહી કરી મસમોટા બિલો ફટકારે છે, ત્યારે અસહ્ય ગરમીમાં વિજકાપના કારણે લોકોને માનસીક યાતના આપનાર વિજતંત્રના જવાબદારો સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી? શું આવા મનઘડત રીતે કામગીરી કરનારા દોષીત નથી? તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. આ ઉપરાંત વિજતંત્રના કર્મચારીઓ પુછપરછ માં સરખા જવાબો પણ આપતા ન હોવાની અને ફોન એગેંજ જ આવતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે કોડીનારના વગદાર નેતાઓ અને PGVCL ના કર્મનિષ્ઠ અધિકારીઓ કોડીનાર નો વિજપ્રશ્ન હલ કરવા આગળ આવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

(11:47 am IST)