Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વાંકાનેર મેઇન બજાર સાંકડી હોઇ હવે વાહનો પાર્કીંગ થઇ શકશે નહીં ?

વાંકાનેર તા. ર :.. વાંકાનેર નગરપાલીકાના ચીફ ઓફીસર ગીરીશભાઇ તેરૈયા સહિત સ્ટાફ દ્વારા થોડા દિવસ પૂર્વે જ મેઇન બજાર નજીક આવેલ ગઢની રાંગ, અમર રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. તે સમયે જ ચીફ ઓફીસરશ્રીએ જણાવેલ હતું કે, ડીમોલેશન દ્વારા સાફ કરાયેલ આ વિસ્તારમાં વાહન પાર્કીંંગની વ્યવસ્થા કરવામાં આવશે.

હાલ મોરબી જીલ્લા કલેકટરને વાંકાનેર પાલીકા દ્વારા પાઠવાયેલ માગણી પત્રકમાં, વાંકાનેર મેઇન બજાર સાંકડી તથા તેમાં ટ્રાફીક વધુ રહેતો હોઇ, ગ્રીન ચોકથી ચાવડી ચોક અને ચાવડી ચોકથી માર્કેટ ચોક, સુધીના મેઇન બજાર રોડને 'વ્હીકલ રોડ' બનાવવા અંગે તેમજ મેઇન બજાર વેપારીઓ-ધારકોના વાહનોને રાખવા માટે ગઢની રાંગ-અમર રોડને પાર્કીંગ ઝોન બનવવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા માંગણી કરાઇ છે. જાહેરનામુ પ્રસિધ્ધ થયે મેઇન બજારમાં વાહનોનું પાર્કીંગ થઇ શકશે નહીં.

ટ્રાફીક પ્રશ્ને પોલીસ સતર્ક

વાંકાનેર શહેરીજનોએ ટ્રાફીક પ્રશ્ને ઘણી તકલીફો વેઠયા બાદ વાંકાનેરમાં હાલ પોલીસ તંત્ર ટ્રાફીક મામલે સતર્ક જોવા મળી રહ્યું છે. દાણાપીઠ થી લીમડા ચોક વચ્ચે ટ્રાફીક વધતા પીએસઆઇ ધાંધલે દંડો ઉગામ્યો હતો. ફોર વ્હીલર થ્રી વ્હીલર વાહનો ચોક વિસ્તારોમાં જયાં ત્યાં આડેધડ પાર્કીંગ કરી  અથવા લારી-પાથરણાના દબાણો વધ્યે જ ટ્રાફીકની સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ મામલે વાંકાનેર શહેર પોલીસનું હાલ કડક વલણ જોવા મળી રહ્યું છે. વાહનોમાં ખૂબ મોટા અવાજે ધ્વની પ્રદુષણ ફેલાવતા રોમીયો તત્વો સામે પણ પોલીસ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે.

પ્રોબેશનલ પિરીયડ અંતર્ગત આવેલા પીએસઆઇ જાડેજાની બદલી થઇ હોવાની અફવાઓ બાદ આ અંગે જીલ્લા એસપીશ્રીનો સંપર્ક કરાતા એ બદલી માત્ર અફવા હોવાની સ્પષ્ટતા થવા પામેલ જેમાં એ પણ સ્પષ્ટતા થવા પામેલ કે પીએસઆઇ જાડેજાએ ટ્રાફીક પ્રશ્ને સારી કામગીરી કરી હોવા ઉપરાંત હાલ પણ સરાહનીય જોવા  મળી રહી છે. વાહનો જયાં ત્યાં પાર્કીંગ કરાતા હોય તે સામે હાજર દંડ સહિત કડક કાર્યવાહી જોવા મળી રહી છે.

(11:40 am IST)