Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઉનામાં ધર્મ પરિવર્તન બાદ હવે પીડિતો ભગવાન બુદ્ધની પ્રતિમા સાથે મંદિર બનાવશે

ઉનાઃ ઉનાના સમઢીયાળામાં દલિતો ઉપર અત્યાચાર થયા બાદ દલિતો દ્વારા રવિવારે બૌદ્ધ ધર્મ અંગિકાર કરવામાં આવ્યો હતો. હવે જે સ્થળે અત્યાચાર થયો ત્યાં ભગવાન બુદ્ધની પ્રતિમા સાથે મંદિર બનાવવા માટે અરજી કરવામાં આવશે.

જુલાઈ 2016માં કથિત ગૌરક્ષકો દ્વારા બેચર અને અશોક સરવૈયા તેમજ રમેશ અને વશરામ સરવૈયા નામના બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. રમેશ અને વશરામના પિતા બાલુ સરવૈયાના જણાવ્યા અનુસાર તે ગુજરાતભરમાં એટ્રોસિટીનો ભોગ બનેલા પીડિતોની મદદ માંગશે અને તે ઘટનાસ્થળે પ્રતિમા સ્થાપિત કરશે, જેથી લોકોને તે સ્થળનો ઈતિહાસ યાદ રહે.

ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ગીર-સોમનાથના ઉના તાલુકામાં આવેલા મોટા સમઢિયાળ ગામમાં સરવૈયા અને અન્ય 45 સભ્યોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. સરવૈયાએ જણાવ્યું કે, ભગવાન બુદ્ધની પ્રતિમાને સ્થાપિત કરવામાં સમય લાગશે કારણકે તેમની પાસે પૂરતા પૈસા નથી અને તેમણે સમાજના સભ્યો પાસેથી ડોનેશનની જરુર પડશે.

સરવૈયાએ જણાવ્યું કે, અમે દલિત હોવાના કારણે હિન્દુ ધર્મમાં અમારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો, માટે અમે હિન્દુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. બાબાસાહેબ આંબેડકરે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અમે ઉનામાં ભગવાન બુદ્ધનું મોટું મંદિર બનાવવાની ઝુંબેશ ચલાવીશું.

ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ, 2016ના રોજ વશરામ, રમેશ, અશોક અને બેચર સરવૈયાને અર્ધનગ્ન અવસ્થામાં કથિત ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પછી દેશભરમાં ચકચાર મચી ગઈ હતી અને દલિત આંદોલનો શરુ થયા હતા.

(6:18 pm IST)