Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ચોટીલામાં રોપ-વે : વૃધ્ધો - દિવ્યાંગો માટે આશિર્વાદરૂપ

વિજયભાઇ રૂપાણીની જાહેરાતને ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવાર અને તળેટી ધંધાર્થીઓએ વધાવી : યાત્રાધામ વિકાસને મોટો વેગ મળશે : સ્થાનિકોમાં આનંદ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨ : પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપર જવા આવવા માટે રોપ-વે બનશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરાતા મહંત પરીવાર દ્વારા આકારવામાં આવેલ છે.

યાત્રાધામોનાં વિકાસ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. વડાપ્રધાન રાજયનાં મુખ્યમંત્રી હતા તે સમયે તેમના હસ્તે ભકિતવન ચોટીલા ચામુંડા તળેટીમાં ખુલ્લુ મુકવામાં આવેલ છેલ્લા બે દશકમાં ચામુંડા ડુંગર ટ્રસ્ટ દ્વારા પણ યાત્રિકોની સુવિધા માટે અનેક નવિનીકરણ કરાયેલ છે

જુનાગઢ ગીરનાર રોપ વે પછી સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ચોટીલા ચામુંડા ડુંગર ઉપર પહેલી એપ્રિલનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રોપ-વેની જાહેરાત કરેલ છે.

સરકારની જાહેરાત અંગે ચામુંડા મહંત પરિવારનાં વસંતગીરી ગોસાઇ એ જણાવેલ છે કે સરકારની જાહેરાત અમો મહંત પરિવાર આવકારીએ છીએ, ચોટીલા પર્વત ૬૩૫ પગથિયા ધરાવે છે, લાખો લોકોની માં ચામુંડા પ્રત્યે શ્રદ્ઘા છે. અનેક વૃધ્ધ અને વિકલાંગ યાત્રીઓ માટે ડુંગર ચડવો અશકય હતો તેવા માઇભકતોને આગામી સમયમાં માતાજીના દર્શન સુધી પોહચવુ રોપ-વેને કારણે શકય બનશે. આવા યાત્રી માટે રોપ-વે આશિર્વાદ સમાન તેમજ ચોટીલા ખાતે રોપ-વે બનશે તો યાત્રીકો પ્રવાસીઓમાં વધારો થશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રોપ-વેની અને સરકતી ટ્રેન જેવી સુવિધા યાત્રાધામ ખાતે ડુંગર ચડવા ઉતરવા માટે બનાવવાની જાહેરાત થયેલી પરંતુ કોઇ ચોક્કસ કારણોસર આ પ્રોજેકટની અમલવારી શકય બનેલ નહોતી ત્યારે હવે ખુદ મુખ્યમંત્રીએ ચોટીલા અંગે જાહેરાત કરતા લાખો શ્રધ્ધાળુઓ માટે સુવિધા માટે નવા વિશ્વાસની લહેર ઉઠી છે.

(11:50 am IST)