Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મારા પણ ૧૦૦ રૂપિયા તુ નરેન્દ્રભાઇને પુગાડી દેઃ ઝાલાવાડના ૧૦૦ વર્ષના જડીમાં રબારીનું પ્રેરણાદાયી કાર્ય

વઢવાણઃ પુરાણકાળમાં બનેલી આ ઘટના આજે યાદ આવે તેવું ખિસકોલી જેવું કાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાનકડા એવા દેવપરા ગામના સાધારણ રબારી પરિવારના મોભી એવા ૧૦૦ વર્ષના જડીબાએ કર્યું છે.

સમગ્ર વિશ્વ આજે કોરોના રૂપી મહામારીના રાક્ષસને હરાવવા માટે કાર્ય કરી રહયું છે. તેવા સમયે ભારતવર્ષના લોકોને પણ કોરોનાના વાયરસથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લડત આરંભી છે, જેમાં દેશના લોકો પોતાના ઘરમાં રહીને જયારે નાના - મોટા ઉદ્યોગગૃહો, સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થા-સંગઠનો તેમજ સમાજના શ્રેષ્ઠીજનો આર્થિક રીતે સહભાગી બની આ લડતને નવુ બળ પુરૂ પાડી રહયાં છે. તેવા સમયે આવળ-બાવળ અને બોરડીના સુકા પ્રદેશ એવા ઝાલાવાડના પાણીદાર માનવીઓ પણ કેમ પાછળ રહે ?

આ વાત છે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાનકડા દેવપરા ગામના રબારી પરિવારની. લોકડાઉનની સ્થિતિમાં દેવપરાનો આ રબારી પરિવાર દ્યરમાં બેસી વાતો કરી રહયો હતો. વાતવાતમાં પરિવારના વડલા સમાન શતાયુ એવા જડીબેનને તેમના દિકરાએ કહયું કે, આજે દેશમાં વાયરસ ફેલાયો છે અને તેની સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોટા-મોટા લોકો અને સંસ્થાઓ કરોડો રૂપિયાનો ફાળો આપી રહયા છે.

આ સાંભળતા જ ૧૦૦ વરહના અનુભવોનું ભાથુ પોતાના હ્રદયમાં સંદ્યરીને બેઠેલા ઘરના મોભી જડીબાએ તરત જ પોતાની પાસે રહેલા ૧૦૦ રૂપિયા કાઢીને તેમના પૌત્રને આપતા કહયું કે, મારા પણ ૧૦૦ રૂપિયા તું નરેન્દ્રભાઈને પુગાડી દે.

સો વર્ષોથી અનેક તડકા-છાંયડા જોઈને આ ઉંમરે પહોંચેલા જડીબાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારૂ છે. તેમણે તેમના અનુભવોના નિચોડ રૂપી વાત કરતા જણાવ્યું હતું કે, મારા છોકરાએ મને કીધુ કે આજે રોગચાળો થયો છે, અને લોકોને બચાવવા મોટા મોટા માણાહે કરોડો રૂપિયા આઈપા છે. એટલે મને થયું કે, આ બધા બે કરોડને, ત્રણ કરોડને એટલા બધા રૂપિયા દે છે. એવી તો આપડી શકિત ન હોય, પણ આપણે આપણી શકિત પરમાણે મદદ કરવી જોઈએ. એટલે મે મોદીભાઈને દેવા માટે મારા ગીંજામાં ૧૦૦ રૂપિયા હતા એ મારા દિકરાના દિકરાને આઈપા. મારી પાહે ૧૦૦ રૂપિયા હતા એટલે ઈમ થયુ કે આ ૧૦૦ રૂપિયા આપી દવ. પછી તો સો (સોય) વાહે દોરો હાઈલો જશે.

જડીબાએ રોકડા આપેલા આ ૧૦૦ રૂપિયા તુરત જ તેમના પૌત્રએ ઓનલાઈન વડાપ્રધાનશ્રીની રાહત નિધીમાં ટ્રાન્સફર કર્યા છે.

આજે જયારે સમગ્ર દેશ –દુનિયા સામે મહામારી રૂપી રાક્ષસ વિકરાળ સ્વરૂપે ઉભો છે, તેવા સમયે ભારતવર્ષની સંસ્કૃતિમાં રહેલી દાન દેવાની, બીજાને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવનાને વ્યકત કરતા જડીબાના મુખેથી નિકળેલા શબ્દરૂપી આશિર્વાદ 'ભગવાન સૌનું સારૃં કરજો ને સૌની લાજ રાખજો' સાંભળીને ઋગ્વેદના શ્લોકમાં વ્યકત થયેલી 'સર્વે ભવન્તુ સુખિનઃI      સર્વે સન્તુ નિરામયાઃI       સર્વે ભદ્રાણિ પશ્યન્તુમ મા કશ્યિદ દુઃખ ભાગ્ભવંત્મમ નો સાર સાચા અર્થમાં સમજાય છે.

ધન્ય છે જડીબાને અને સલામ છે તેમના ખિસકોલી જેવા કાર્ય થકી તેમની સમાજ માટેની ઉદાત્ત ભાવનાને....

સંકલનઃ- હેતલ દવે-માહિતિ ખાતુ (સુરેન્દ્રનગર)

(11:36 am IST)