Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જસદણ વિંછીયા વિસ્તારમાં કુંવરજીભાઇ બાવળીયાના ગઢમાં ગાબડું

રાજકોટ, તા૨: કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના વિધાનસભા મત વિસ્તાર એવા જસદણ તાલુકો તેમજ વિછીયા તાલુકો એમ બંને તાલુકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. જસદણ વિધાનસભા વિસ્તારમાં આવતી જસદણ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો તેમજ વિછીયા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો મળીને જસદણ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૮ બેઠકો પૈકી માત્ર ત્રણ બેઠકો ભાજપને ફાળે ગઇ છે. જયારે પાંચ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. આ ઉપરાંત વિછીયા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ૧૪ બેઠકો ઉપર કોંગ્રેસ વિજેતા બન્યું છે જયારે માત્ર ચાર બેઠકો પર ભાજપનો વિજય થયો છે આમ વિછીયા તાલુકા પંચાયત ઉપર પણ સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસનું શાસન આવ્યું છે. જયારે જસદણ તાલુકા પંચાયતની કુલ ૨૧ બેઠકો પૈકી ૧૪ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે જયારે ભાજપને માત્ર છ બેઠકો તેમજ બે અપક્ષ ઉમેદવાર વિજેતા થતા જસદણ તાલુકા પંચાયત ઉપર પણ સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસનું શાસન આવ્યું છે . જસદણ વિસ્તાર ભાજપના બે દિગ્ગજ નેતા કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયા અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ભરતભાઇ બોદ્યરા તે બંનેનો વિસ્તાર છે. ડો. બોદ્યરા અને બાવળીયા બંને જસદણ વિસ્તારના ભાજપના ધારાસભ્ય રહી ચૂકયા છે અને બાવળીયા અત્યારે પણ જસદણ વિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર છે.

ટોચના રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જસદણ વિધાનસભા વિસ્તાર ની કુલ ૮ બેઠકો પૈકી જિલ્લા પંચાયતની આટકોટ અને સાણથલી બેઠક ઉપર પ્રદેશ ભાજપ દ્વારા બોદ્યરાને તેમની પસંદગીના ઉમેદવાર મૂકવાનું જણાવીને તેમણે જીતાડવાની જવાબદારી ડો. બોદ્યરાને ભાજપે આપી હતી. અને એ બંને બેઠક ઉપર તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપીને બંને બેઠકો પર ભાજપની જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી જયારે બાકીની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ તેમની પસંદગીના ઉમેદવાર મુકવા માટે પ્રદેશ ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ બેઠક જીતાડવાની જવાબદારી કેબિનેટ મંત્રી બાવળિયાને સોંપવામાં આવી હતી. પ્રચાર પ્રચાર દરમિયાન તેમને પ્રદેશ ભાજપ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી મુજબ ડો. બોઘરાએ આટકોટ જિલ્લા પંચાયત અને સાણથલી જિલ્લા પંચાયત વિસ્તારમાં જ પ્રચાર કાર્યની ધુરા સંભાળી હતી.

આમ ડોકટર બોઘરાને સોંપવામાં આવેલી જવાબદારી તેમણે સુપેરે નિભાવતા એ બંને બેઠક ઉપર એટલે કે જિલ્લા પંચાયતની આટકોટ બેઠક તેમજ સાણથલીની બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. જયારે કેબિનેટ મંત્રી બાવળિયાના ભાગની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પૈકી માત્ર એક બેઠક એટલે કે વિછીયા તાલુકા ની પીપરડી બેઠક ઉપર ભાજપના જૂના જોગી કહી શકાય તેવા નાથાભાઈ વાસણીનો વિજય થયો છે. જયારે જિલ્લા પંચાયતની ભાડલા બેઠક કમળાપુર બેઠક શિવરાજપુર બેઠક તેમજ ભડલી બેઠક ઉપર અને વિછીયા બેઠકો પર કોંગ્રેસ વિજેતા બન્યું હતું શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના અનેક આગેવાનો એ અશોકભાઈ મહાદેવભાઈ ચાવને ભાજપની ટિકિટ આપવાનું જણાવ્યું હતું. શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે અશોકભાઈ ચવને ટિકિટ આપવા માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આગ્રહ રાખ્યો હતો પરંતુ કુંવરજીભાઇ બાવળિયાએ અશોકભાઈ ચાવને ટિકિટ નહીં આપવાની જીદ પકડતા અશોકભાઈ ચાવે અપક્ષ ઉમેદવારી કરી હતી અને ૪૨૪૭ મેળવ્યા હતા આમ અશોકભાઈ ચાવ દ્વારા અપક્ષ ઉમેદવારી થતાં શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક પણ ભાજપને ગુમાવવાનો વારો આવ્યો હતો . આ બેઠકની ટિકિટ બાબતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કુવરજીભાઈ બાવળિયા વચ્ચે પણ ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. વિછીયા તાલુકો કોળી સમાજનો ગઢ ગણાય છે. કુંવરજીભાઈ બાવળીયા કોળી સમાજના અગ્રણી અને કેબિનેટ મંત્રી છે આમ છતાં વિછીયા તાલુકામાં ભાજપનો મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. કુવરજીભાઈ બાવળિયા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારબાદ તે ભાજપમાં જોડાયા પછી તેમની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા લોકોને જ તે મહત્વ આપતા હોવાનું અને જૂના ભાજપના કોઇ પણ લોકોને કુવરજીભાઈ મહત્વ આપતા નહીં હોવાથી ભાજપનો મોટા પ્રમાણમાં ધોવાણ થયું હોવાની જસદણ વિસ્તારમાં ચર્ચા છે.

(4:01 pm IST)