Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જુનાગઢ જિલ્લાની ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકની મતગણતરી ભાજપનો ૩૧ અને કોંગ્રેસનો ૩૩ બેઠક પર વિજય

આપના બે અને અન્ય એક ઉમેદવાર વિજેતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર :.. જુનાગઢ જિલ્લાની ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકની મત ગણતરી ચાલી રહી છે. બપોરે ૧ર.૩૦ સુધીમાં ભાજપનો ૩૧ અને કોંગ્રેસનો ૩૩ બેઠક પર વિજય થયો છે. ત્યારે આપના બે અને અન્ય એક ઉમેદવાર પર વિજેતા થયા હોવાનું જાણવા મળેલ છે.

રવિવારે ૯ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૬ર.૩૬ ટકા મતદાન થયું હતું. આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી છે.

બપોરે ૧ર-૩૦ વાગ્યા સુધીમાં જુનાગઢ તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકમાંથી ૧૦ સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપને પાંચ, કોંગ્રેસને ૩ અને આમ આદમી પાર્ટીને બે  બેઠક મળી હોવાનું જણાવા મળેલ છે.

વિસાવદર તાલુકા પંચાયતની ૧૮ બેઠકમાંથી બપોર સુધીમાં ૬ સીટના પરિણામ જાહેર થતા ભાજપના ફાળે એક બેઠક અને કોંગ્રેસના ફાળે પાંચ બેઠક ગઇ છે.

મેંદરડા તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. ૮ સીટના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપને બે બેઠક અને કોંગ્રેસને છ બેઠક આવી છે.

માળીયા હાટીના તાલુકા પંચાયતની ર૦ સીટમાંથી ૬ બેઠકના પરિણામ જાહેર થતા ભાજપના પાંચ ઉમેદવારનો અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે.

કેશોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠકમાંથી બપોર સુધીમાં ભાજપ અને કોંગ્રેસને પાંચ - પાંચ બેઠક મળી હોવાનું જાણવા મળેલ છે.

વંથલી તાલુકા પંચાયતની ૧૬ બેઠકમાંથી ૭ સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં કોંગ્રેસે ચાર સીટ પર અને ભાજપે ૩ સીટ પર વિજય હાંસલ કર્યો છે.

માંગરોળ તાલુકા પંચાયતની ર૦ બેઠકમાંથી ૭ બેઠકના પરિણામ આવ્યા છે. ભાજપનો ચાર સીટ પર વિજય થયો છે. અને બપોર સુધીમાં કોંગ્રેસ માત્ર એક બેઠક મેળવી શકી હતી અને અન્ય બે ઉમેદવારનો વિજય થયો છે.

માણાવદર તાલુકા પંચાયતની ૧૬ બેઠકની મતગણતરી ચાલી રહી છે જેમાં બપોર સુધીમાં ૧૧ સીટના પરિણામ જાહેર થતા ભાજપ અને કોંગ્રેસનો પાંચ-પાંચ બેઠક પર અને એક બેઠક પર અન્યનો વિજય થયો છે.

ભેંસાણ તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકમાંથી ચાર સીટના પરિણામ જાહેર થયા છે અને ભાજપ અને કોંગ્રેસે બે-બે બેઠક મેળવી છે અને અન્ય સીટની મત ગણતરી ચાલી રહી છે.

(3:03 pm IST)