Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સાવરકુંડલા તાલુકામાં 'આપ'ના કાર્યકરોએ મત ગણતરી કેન્દ્ર ખાતે સતત બે રાત્રી સુધી ચોકી પહેર્યો ભર્યો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૨ :. ગુજરાતમાં યોજાયેલી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મત ગણતરી તા. ૨ માર્ચના રોજ થવા જઈ રહી છે, ત્યારે સાવરકુંડલા તાલુકાની આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મતદાન થયા બાદ સતત બે રાત્રી સુધી મત ગણતરી કેન્દ્ર બહાર ચોકી પહેર્યો ભર્યો હોવાની વાત બહાર આવી છે.

જાણવા મળતી વિગત મુજબ તા. ૨૮-૨ના રોજ મતદાન થઈ ગયા બાદ જીલ્લા પંચાયતની સાવરકુંડલા તાલુકામાં આવેલી ૪ સીટો અને તાલુકા પંચાયતની ૨૨ સીટોની મત ગણતરી સાવરકુંડલા ખાતેની કે.કે. હાઈસ્કૂલ ખાતે હાથ ધરાનાર હોય ત્યાં ઉભા કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમ ઈવીએમ મશીનો રાખવામાં આવ્યા છે, ત્યારે રાજકીય વર્તુળોમાં ઈવીએમ મશીનમાં છેડછાડ થઈ રહ્યાની શંકા-સંભાવના ચર્ચાઈ રહી હોય ગ્રામ્ય 'આપ'ના તાલુકા પંચાયતની ચાર બેઠકના ઉમેદવારો પોતાના વીસેક જેટલા કાર્યકરો સાથે સાવરકુંડલાના મત ગણતરી કેન્દ્ર કે.કે. હાઈસ્કૂલના દરવાજા બહાર બે દિવસ અને બે રાત્રી સુધી ધામા નાખી બહારની કોઈ વ્યકિત ઈવીએમ મશીન સાથે કોઈ પ્રકારની છેડછાડ ન કરે તે માટે ચોકી પહેરો ભર્યો હતો.

તાલુકાના જૂના સાવર, સીમરણ, કરજાળા ગામેથી 'આપ'ના કાર્યકરોએ સતત મત ગણતરી સ્થળે પડાવ નાખ્યો છે. આ વાતની જાણ થતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરાનો પુત્ર પણ મત ગણતરી સ્થળે હાજર રહેલ. આમ આદમી પાર્ટીને સુરત શહેરમાં મળેલ સફળતાથી ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોમાં પણ ઉત્સાહમાં વધારો થયો છે અને શિક્ષિત ગણાવતી પાર્ટીના કાર્યકરોએ મત ગણતરી સ્થળે ચોકી પહેરો ભર્યો છે.

(1:19 pm IST)