Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કેશોદ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવામાં ન આવતા આંદોલન શરૂ કરવાનું રણશીંગુ ફુંકાયું

હિતરક્ષક સમિતિ દ્વારા ભુખ હડતાલ, પોસ્ટ કાર્ડ ઝુંબેશ

કેશોદ તા. ૨ : કેશોદ રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવામાં ન આવતાં કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા માંગ સ્વીકારવામાં ન આવતાં આંદોલન શરૂ કરવાનું રણશીંગુ ફુંકયું છે.

કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા ફરીથી સ્મૃતિ પત્ર લખીને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને ડિવિઝનલ મેનેજર ભાવનગર ત્થા સાંસદ, ધારાસભ્ય દેવાભાઈ માલમ ને જાણ કરી છે કે દશ દિવસ માં હકારાત્મક અભિગમ અપનાવીને વેરાવળ બાંદ્રા ટ્રેનને કેશોદ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવશે નહીં તો કેશોદ શહેરનાં વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને જાગૃત પ્રબુધ્ધ નાગરિકોને સાથે રાખીને પોસ્ટ કાર્ડ ઝુંબેશ ઉપરાંત ભુખ હડતાલ અને પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

ભાવનગર ડિવિઝન હેઠળના કેશોદ રેલ્વે સ્ટેશન મુસાફરોની દ્રષ્ટીએ અને આવકની દ્રષ્ટિએ સૌથી વધારે ધરાવતું હોય છતાં રેલવે બાબુઓ દ્વારા કિન્નાખોરી રાખીને અને પ્રજાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ વામળા સાબિત થતાં કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવેલ નથી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ કેશોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોના આગેવાનોને આંદોલનમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે.

(1:15 pm IST)