Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વિજિલન્સના દરોડામાં મુન્દ્રા પોર્ટના કસ્ટમ હાઉસના સુપ્રી. પાસેથી ૩૫ હજારની રોકડ ઝડપાતાં ચકચાર, પાંચ અધિકારીઓની પૂછપરછ

કસ્ટમ ક્લિયરન્સમાં ભ્રષ્ટાચાર, ફેસલેસ એકઝામીનેશનમાં એનઓસી માટે અમુક અધિકારીઓ પાસે જ કાગળો મોકલાતા, મધરાતે બે થી ચાર દરમ્યાન કોમ્પ્યુટર ખોલી સેટિંગ કરાતું

(વિનોદ ગાલા દ્વારાભુજ::: મુન્દ્રા કસ્ટમ હાઉસ ઉપર કસ્ટમ ની ડીજી વિજિલન્સની ટીમે દરોડો પાડીને કસ્ટમ સુપ્રિ. સુરેશ મીણાને ભ્રષ્ટાચાર બદલ રંગે હાથ ઝડપી ઝીણવપૂર્વક ની તપાસ હાથ ધરતાં ચકચાર મચી ગઇ છે. એક મહિલા અધિકારી અને ચાર પુરુષ અધિકારીઓની ટીમે દરોડા દરમ્યાન સુરેશ મીણા પાસેથી ૩૫ હજારની રોકડ ઝડપી પાડી હતી. જે રોકડ રકમ લાંચ માટેની હોવાનું માનીને વિજિલન્સ ટીમે તેમની પૂછપરછ શરૂ કરી છે. જોકે, સુરેશ મીણા ઉપરાંત અન્ય ચાર મળીને મુન્દ્રા પોર્ટના કુલ ૫ કસ્ટમ સુપ્રી.ની પૂછપરછ હાથ ધરાઇ છે. કેન્દ્રની મોદી સરકારે ભ્રષ્ટાચાર ડામવા માટે કસ્ટમ તંત્રમાં પણ ઇન્કમટેકસ ની જેમ કાગળોના  ફેસલેસ એકઝામીનેશન ચાલુ કર્યું છે. જે અંતર્ગત મુન્દ્રા પોર્ટ ઉપર આયાતનિકાસ કરનારાઓ ના કાગળો કસ્ટમ ક્લિયરન્સ માટે દેશના અન્ય શહેરોના કસ્ટમ અધિકારીઓ પાસે જતા હતા. પરંતુ ભ્રષ્ટ સરકારીબાબુઓ એ એમાં પણ સેટિંગ કરી લીધું હોવાના બનાવે કેન્દ્રીય એજન્સીઓ સાથે આયાતનિકાસકારોમાં ચકચાર સર્જી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસ્ટમ સુપ્રી. સુરેશ મીણા તેમની પાસે આવેલા કસ્ટમ ક્લિયરન્સના કાગળો એસેસમેન્ટ માટે ફેસલેસ સ્ક્રીનીંગ દરમ્યાન ચોક્કસ અધિકારીઓ પાસે જ મોકલતા અને તે ક્લીઅર કરાવવા લાંચના રૂપિયા વસૂલતા. આ માટે તેઓ રાત્રે બે થી ચાર દરમ્યાન કોમ્પ્યુટર ખોલી સેટિંગ કરનારનું કામ કરતા હતા. આ દરોડા દરમ્યાન ઝડપાયેલી મોડસ ઓપરેન્ડી એ ચકચાર સર્જી છે. જોકે, ચોંકી ઉઠેલા વિજિલન્સ વિભાગે હવે રાત્રે કોમ્પ્યુટર ખોલી કામ કરનાર અન્ય અધિકારીઓની તપાસ શરૂ કરી છે. જોકે, સતત તપાસ ચાલુ હોઈ આ બાબતે કસ્ટમ વિભાગ દ્વારા સત્તાવાર કોઈ નિવેદન કે માહિતી અપાઈ નથી. પણ, ભ્રષ્ટ કસ્ટમ અધિકારીઓના નવા સેટિંગે ખળભળાટ સર્જ્યો છે.

(9:29 am IST)