Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

પાટણ-બનાસકાંઠા પંથકના બોર્ડર વિસ્તારોમાં અભેદ સુરક્ષા કવચ

પાટણ તા.ર : બોર્ડર વિસ્તારોમાં અભેદ સુરક્ષા કવચ ગોઠવાયેલુ જોવા મળી રહ્યુ છે. પાટણ અને બનાસકાંઠા બિલકુલ બોર્ડરને અડીને આવેલ જીલ્લા છે. જે સરહદી વિસ્તારોમાંથી પાકિસ્તાનમાં થતી લાઇટો દેખાય છે. તેમજ પાકિસ્તાનના વિસ્તારોમાં લગ્નપ્રસંગે વાગતા ઢોલ પણ આ સરહદને અડીને આવેલા ગામોમાં સંભળાય છે.

પાટણ જીલ્લાના ફાંગલી જીખોત્રા અને ચારણકા જે પાકિસ્તાન સરહદ અને બોર્ડરને અડીને આવેલ છે જેમાં સુરક્ષાનું કામ બીએફએફના જવાનો ઉંટ ઉપર મોડી રાત્રે દ્રષ્ટિગોચર થાય છે.

આ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને આજે પણ જુસ્સો છે કે અમે અમારૂ ગામ છોડવા માંગતા જ નથી. લશ્કરને પુરેપુરો સહયોગ આપશું. ૧૯૭૧માં પણ અમોએ યુધ્ધ જોયુ છે. અમે એ વતન છોડયુ નહોતુ અને લશ્કરમાં સાથ સહકાર આપ્યો હતો. આજ પણ જુસ્સા સાથે વતન ખાતર જાન આપવા આ વિસ્તારની પ્રજાનો જબરજસ્ત જુસ્સો જણાઇ રહ્યો છે. જાખોત્રા, ફાંગલી અને ચારણકાથી ફકત ૩ કીમી પાકિસ્તાન છે. આ સ્થાનીક પ્રજાને કોઇ ભય નથી. સરહદી પંથકના લોકો આરપારની લડાઇ લડી લેવા જુસ્સાથી અને ખુમારીથી જણાવી રહ્યા છે.

જયારે બનાસકાંઠા વિસ્તારના સુઇગામ નળા બેંક અને થરાદના વિસ્તારો બોર્ડર ઉપર જ આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫ - ૧૯૭૧માં યુધ્ધ થયા હતા. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી દીધા હતા ત્યારે જલોયાના એક નિવૃત ફૌજી સૈનિક આજે પણ યુધ્ધ થાય તો પાકિસ્તાનને ૧૯૭૧ની યાદ બતાવી દેવાની ખુમારીથી કહે છે. વાવ, સુઇગામ, લીંબાળા, જલોયા, નળાબેટના ગ્રામજનોમાં આજપણ પાકિસ્તાનને પાઠ ભણાવવા જુસ્સામાં જણાઇ રહ્યા છે ત્યારે બોર્ડર સુરક્ષા દળો સતત ૨૪ કલાક રેડ એલર્ટથી નજર રાખે છે. આ વિસ્તારમાં ફોટોગ્રાફી ઉપર પાબંધી લગાવાઇ છે. બોર્ડર ઉપર કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય તો પોલીસને જાણ કરવા સુચના અપાઇ છે. પાકિસ્તાન બોર્ડર ઉપરથી ગતિગિધિઓ પર બીએસએફના જવાનો બાજ નજર રાખી રહ્યા છે.

(12:30 pm IST)