Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કેન્દ્રીય બજેટને આવકારતા સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ( સર્વોત્તમ ડેરી) ના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતી કેન્દ્રીય બજેટ ને આવકાર આપતા જણાવ્યું હતું કે સને ૨૦૨૩-૨૪ના વર્ષનું સપ્તર્ષિ મંત્ર આધારિત અમૃતકાળ બજેટ રજુ કરવામાં આવ્યું .જેમાં વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પો માટે એક મજબૂત પાયો નાખેલ છે . કૃષિ અને સહકારી ક્ષેત્ર માટે મહત્વના લાભ આપતી જાહેરાત કરવામાં આવી છે .

  આગામી ૨૫ વર્ષના અમૃતકાળ માટે આ અમૃતકાળ બજેટથી વિકાસનો પાયો નાખેલ છે . બજેટથી રોજગારીની સેકડો તકોનું નિર્માણ થશે . યુવાનોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવેલ છે . તેમજ એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ બનાવવાથી ફાયદો થશે . કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી ધ્વારા ઉત્પાદન અને નફો વધશે શ્રી અન્ન યોજના માટે ભારત વિશ્વનું હબ બનશે જે ખુબ આવકારદાયક છે .

કૃષિક્ષેત્ર , પશુપાલન અને ડેરી તેમજ સહકાર મંત્રાલય માટે માતબર રકમની ફાળવણીથી દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોના પડકારોનો આર્થિક ઉકેલ મળશે . સહકારી ક્ષેત્રને આ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપીને વ્યાપ વધારવા પર ભાર મુકેલ છે . સહકારી ક્ષેત્રના માધ્યમથી ગ્રામીણ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ભાર મુકવામાં આવેલ છે . સહકારી મંડળીઓ માટે રોકડ ઉપાડની મર્યાદા ૧ કરોડથી વધારી ૩ કરોડ કરવામાં આવેલ છે જેથી ૨ ટકા ટીડીએસનો ફાયદો થશે .

 ગોબરધન પ્રોજેક્ટમાં ૧૦,૦૦૦ કરોડના રોકાણથી દૂધ ઉત્પાદકોને દૂધની સાથે પશુઓના છાણમાંથી પણ આવક મેળવી શકશે . પશુઓના છાણમાંથી બયોગાસ મેળવીને ઇંધણ અને સીએનજી તરીકે ઉપયોગ કરશે તેમજ સલરીનો બાયોફર્ટીલાઈઝર તરીકે ખેતીમાં ઉપયોગ થશે . જેથી દૂધ ઉત્પાદક દૂધની આવક સાથે છાણમાંથી પણ આવક મેળવી શકશે . સરકારે મલ્ટી સ્ટેટ કો - ઓપ . ઓર્ગેનિક સોસાયટીની રચના કરી દૂધ ઉત્પાદકો , ઉપભોક્તા , દેશ અને પર્યાવરણ માટે સર્વગ્રાહી માર્ગ અપનાવ્યો છે .

  આમ એકંદરે સહકારી માધ્યમથી લાંબાગાળા સુધી ખેડૂતોને ફાયદો થાય , દેશના અર્થતંત્રનો વિકાસ થાય એવી શુભાશય સાથે આ બજેટથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં લાભ થશે . આવી અનેકવિધ યોજનાઓ બદલ શ્રી ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી . ( સર્વોત્તમ ડેરી , જિ . ભાવનગર ( ગુજરાત ) ) તરફથી બજેટને વધાવીએ છીએ.

(6:42 pm IST)