Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જેતપુરમાં દોઢ માસ પુર્વે પકડાયેલ કેમીકલ દેશી દારૂ બનાવવામાં ઉપયોગ કરાતો'તો : ૪ સામે ગુન્‍હો

એફએસએલના રીપોર્ટ આધારે જેતપુરના હરેશ પરમાર, સાગર ગોહેલ તથા રાજકોટના અઝીઝ મલેક અને કિર્તીરાજસિંહ ગોહીલ સામે ગુન્‍હો નોંધાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨: જેતપુરમાં દોઢ માસ પુર્વે પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડતા દેશી દારૂ સાથે કેમીકલનો જથ્‍થો મળી આવતા આ કેમીકલ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ હોવાનો એફએસએલના રીપોર્ટના આધારે જેતપુર પોલીસે જેતપુર અને રાજકોટના ૪ શખ્‍સો સામે ગુન્‍હો દાખલ કર્યો હતો.

શહેરમાં દોઢ માસ પહેલા ડીવાયએસપી  ઓફીસ સ્‍ટાફ તથા શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમીના આધારે જલારામનગર-૩ માં ભાડાની દુકાનમાં દેશી દારૂનો જથ્‍થો ઝડપી લેવા રેડ કરેલ જયાં દેશી દારૂ ઉપરાંત કેમીકલના ર૦૦ લીટરની ક્ષમતા વાળા ૧પ કેરબા મળી આવેલ. આ મુદામાલ ગોંડલ દરવાજા ખાતે રહેતા વિજય કાંતીલાલ દેગડાનો હોવાનું માલુમ પડેલ.

બીજા દિવસે તા.૧૯-૧રના રોજ ફરી મળેલ બાતમીના આધારે ટ્રાન્‍સપોર્ટ પાસે રેડ કરતા બોલેરોમાંથી કેમીકલના ૧૦ કેરબા મળી આવેલ જેથી પોલીસે બોલેરો ચાલક સાગર ઉર્ફે ગદી ચુનીલાલ ગોહેલ તથા  જેમણે કેમીકલ મંગાવેલ તે હરેશ ઉર્ફે હરીયો દિલીપભાઇ પરમાર (રહે. બન્ને ભોજાધાર)ને બોલેરો મોબાઇલ-ર તથા કેમીકલ મળી કુલ રૂા. ૬૭,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ કેમીકલ તપાસ અર્થે એફએસએલમાં મોકલેલ જયાથી તે કેમીકલ દારૂ બનાવવાના ઉપયોગમાં આવતુ હોવાનું બહાર આવતા પોલીસે કેમીકલ અંગે પુછપરછ કરતા તે કેમીકલ રાજકોટ રૂદ્ર એન્‍ટરપ્રાઇઝમાંથી  મંગાવેલ હોવાનું જણાવતા પોલીસે રૂદ્ર એન્‍ટરપ્રાઇઝના માલીક અઝીઝ રાજુભાઇ મલેક તથા સંચાલક કીર્તીરાજ રાજુભાઇ ગોહીલ (રહે. બંન્ને રાજકોટ) સહીત ૪ શખ્‍સો વિરૂધ્‍ધ સીટી પીઆઇ એ.એમ.હેરમાએ ફરીયાદી બની પ્રોહી. કલમ ૬પ (એફ) ૯૮(ર) તથા ૮૧ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો.

(1:22 pm IST)