Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રવિવારે જુનાગઢમાં ‘અરે...કોઇ પપ્‍પુને પરણાવો' નાટક રજૂ થશેઃ જુનાગઢના કલાકારની શિર્ષ ભૂમિકા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર :.. જુનાગઢમાં આગામી પ-મી ફેબ્રુઆરીને રવિવારે અદ્રૈત પ્રોડકશન કેતન દવે નિર્મિત હાસ્‍ય નાટક ‘અરે...પપ્‍પુને કોઇ પરણાવો' નાટક શામળદાસ ગાંધી ટાઉનહોલનાં રંગમંચ પર મંચન થશે. આ હાસ્‍ય નાટકમાં જુનાગઢનો યુવા કલાકાર જગપાલ ભરાડ સહિત પંદર કલાકારો ફેર ચડી જાય તેવી અવળચંડી કોમેડી રજૂ કરી પ્રેક્ષકોનાં દિલ જીતવા આવી રહ્યા છે.

અદ્વૈત પ્રોડકશન હેઠળ તૈયાર થયેલા આ કોમેડી નાટકનાં નિર્માતા કેતન દવે અને દિગ્‍દર્શક યોગેશ મહેતાએ નિર્દોષ હાસ્‍ય સાથેનું નાટક ‘અરે...પપ્‍પુને કોઇ પરણાવો' તૈયાર કરી તેનો પ્રથમ શો જુનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રાત્રે ૯ વાગ્‍યે રવિવારે રજૂ કરવા જઇ રહ્યા છે.

નાટકનાં નિર્માતા કેતન દવે અને સોંગસ્‍ટર કિરણ ભેડા પ્રસ્‍તુત આ હાસ્‍ય નાટકમાં જૂનાગઢનાં યુવા કલાકાર જગપાલ ભરાડની શિર્ષક ભૂમિકા જોવા મળશે. ફેર ચડી જાય એવા ફેરા ફેરવતી ઉંધા ફેરાની અવળચંડી કોમેડીમાં જગપાલ સહિત પંદર કલાકારો પેટ પકડી હાસ્‍ય હુલ્લડ સર્જનાર છે.

શાંતિલાલ તેનાં પુત્ર પપ્‍પુને પરણાવવા મકકમ છે તો પુત્ર પપ્‍પુ અખિલ વિશ્વ કુંવારા સંઘની સ્‍થાપના કરી નહીં પરણવાની જીદે ચડે છે...! આ ઉંધા ફેરાની અવળચંડી કોમેડી માટે દર્શકો આ નાટક નિહાળે તેવો અનુરોધ કરી નિર્માતા કેતન દવેએ ૧ર૦ મીનીટનાં આ નાટકમાં ર૪૦ વખત હસાવવાનાં કીમીયા અજમાવ્‍યા છે.

નાટકનાં મુખ્‍ય કિરદારમાં જગપાલ ભરાડની સાથે પ્રકાશ જોષી, યુવરાજ જાડેજા, રાજ કરમચંદાણી, માનસી સોની, જીલ ભાવસાર, અને ખુશી ખારોડ સહિત પંદર કલાકારોએ પોતાના કિરદારમાં ખુંપી ગયા છે, રવિવારે મંચન થનાર નાટકની વધુ વિગતો માટે સોંગસ્‍ટર કિરણ ભેડાનો ૭૬૦૦૮ ૧૯૮૧૮ પર સંર્ક કરવા આયોજકોએ જણાવ્‍યું છે.

દર્શકોનું દિલ જીતી લે તેવું આ નાટક છેઃ જગપાલ ભરાડ જુનાગઢમાં દસમાં ધોરણ સુધી અભ્‍યાસ કરી નાટય અને ફિલ્‍મ ક્ષેત્રે કારકીર્દી બનાવવાનાં ધ્‍યેય સાથે અમદાવાદ સ્‍થાયી થયેલ જગપાલ ભરાડ હાલ ડ્રામામાં  માસ્‍ટર કરે છે. ‘અરે...પપ્‍પુને કોઇ પરણાવો' નાટકનો સૌ પ્રથમ શો તેમનાં માદરે વતન જુનાગઢમાં ભજવવાનું નકકી થતા તેમણે અનહદ આનંદ વ્‍યકત કર્યો હતો. જુનાગઢના દર્શકોનું દિલ જીતી લે તેવા આ નટક વિશે જણાવતા જગપાલે કહયું કે, આજના સમયમાં સંતાનો પર પોતાના વિચારો થોપી દેનારા વાલીએ એ સમજવું જોઇએ કે પોતાનાં સંતાનોના તેઓ ટ્રસ્‍ટી છે. માલીક નહીં...! આવા અનેરા સંદેશ સાથે સાથે હાસ્‍યનું હુલ્લડ સર્જતા આ નાટકમાં દર્શકો થિએટર સુધી આવશે તો નાટકનું મંચન અને દર્શકોનું દર્શન એકાકાર થઇ જશે તેવી અમારી ટીમને શ્રધ્‍ધા છે.

(1:16 pm IST)