Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર અકસ્‍માતમાં ઘવાયેલ સગીર માધવ સોલંકીનું મોત

લાલપર પાસે ટ્રકે બાળકને હડફેટે લેતા યુવકને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨ : મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર બોલેરો પીકપ વન અને બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું છે. આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

વાંકાનેરના આંબેડકર નગરમાં રેહતા હિમાંશુભાઈ સોલંકી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ૧૭ વર્ષીય ભાઈ માધવ ભરતભાઈ સોલંકી પોતાના ᅠહીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ GJ-36-AA-927૨ ᅠલઈને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર મનીષ સીરામીક કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા એ સમયે આરોપી બોલેરો પીકપ વાનના ચાલકે પોતાની ગાડી GJ-01-BT-9277ને રોંગ સાઈડમાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ચલાવી સામેથી આવતા માધવભાઈના બાઈકને અડફેટે લીધું હતું. જેને પગલે માધવભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે આરોપી પોતાના હવાલા વાળું વાહન મૂકીને નાસી ગયો હતો. આ જીવલેણ અકસ્‍માતને પગલે માધવભાઈને હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

બીજા બનાવમાં વાંકાનેરના મહાવીરનગર સોસાયટીમાં રહેતેં વિવેકભાઈ યશવંતભાઈ સોઢાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૩૧ જાન્‍યુઆરીના રોજ તેઓ તેમના મોટરસાયકલ GJ-36-M-8850 પર માટેલ રોડ પર આવેલ લેનીસ સીરામીકના કારખાનેથી મોરબી આવતા હતા ત્‍યારે લાલપર ગામ નજીક એક ટ્રક વળતી હોવાથી વિવેકભાઈએ પોતાનું મોટરસાયકલ ડાબી બાજુ લઈને ધીમી ગતિએ ચલાવીને જતા હતા એ સમયે પાછળથી આરોપી ટ્રક રજી નંબર-જી-જે-૦૪-એ-ડબલ્‍યુ-૧૩૭૪ના ચાલકે તેનું ટ્રક બેકાબૂ ગતીએ ચલાવીને વિવેકભાઈના બાઇકને અડફેટ લઈને અકસ્‍માત સજર્યો હતો.  આ અકસ્‍માતમાં વિવેકભાઈના જમણા પગમાં ઢીચણથી નીચેના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને પગ છૂંદાઈ ગયો હતો જેથી પ્રથમ તેમને મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. એ બાદ તેમને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.  જયારે અકસ્‍માત સર્જીને આરોપી ટ્રક ચાલક ટ્રક પડતો મૂકીને ફરાર થયો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

(1:10 pm IST)