Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ ફરાર હતા ત્‍યારે ક્‍યાં રોકાયા'તા : રીમાન્‍ડમાં પૂછતાછ

કોન્‍ટ્રાકટ પૂર્ણ થઇ ગયો છતાં કેમ ચાલુ રાખ્‍યો ? અન્‍ય કોઇ અધિકારીની સંડોવણી છે કે કેમ? તે મુદ્દે ઓરેવાના એમડી જયસુખ પટેલની સઘન પૂછતાછ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨ :ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના કોર્ટે ૭ દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા છે. રીમાન્‍ડ દરમિયાન જયસુખ પટેલ ફરાર હતા ત્‍યારે કયાં રોકાયા હતા ? તે સહિતના મુદ્દે પૂછતાછ હાથ ધરાઇ છે.

મોરબીમાં ગત ૩૦ ઓક્‍ટોબરના રોજ સર્જાયેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના જીવ ગયા હતા. આ કેસના ઓરેવાના માલિક જયસુખ પટેલને રીમાન્‍ડ અર્થે કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા.

આ વેળાએ પોલીસે ૧૪ દિવસના રિમાન્‍ડની માંગ કરી હતી. અંદાજે ૧ કલાક દલિલો ચાલી હતી. જેમાં સરકારી વકિલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે ૨૦૧૭માં કોન્‍ટ્રાક્‍ટ પૂરો થઈ ગયો, ૨૦૨૨ સુધી કેના કહેવાથી કોન્‍ટ્રાક્‍ટ ચાલુ રાખ્‍યો ?, આ ઉપરાંત ૨૦૧૭માં કલેકટરને પત્ર લખ્‍યો કે ઝૂલતો પુલ જર્જરિત છે આમ છતાં પણ કેમ પુલ ચાલુ રાખ્‍યો ? માત્ર ફલોરિંગ બદલ્‍યું, આખો રીનોવેટ ન કર્યો તો આનું સર્ટી લીધું કે કેમ ?, આ ઉપરાંત કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી છે કે કેમ? વગેરે પ્રશ્નો અંગે પૂછપરછ કરવી જરૂરી બને છે.

વધુમાં જયસુખ પટેલના વકીલે બચાવમાં કહ્યું કે ચાર્જશીટ રજુ થઈ ગઈ હવે રિમાન્‍ડની જરૂર રહેતી નથી. હાઇકોર્ટમાં જયસુખ પટેલને આરોપી ગણવામાં આવ્‍યા નથી. એટલે રિમાન્‍ડ મંજુર કરવામાં ન આવે. આમ બન્ને પક્ષે દલીલો સાંભળ્‍યા બાદ કોર્ટે આરોપી જયસુખ પટેલને તા.૮ સુધી રિમાન્‍ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે.

રીમાન્‍ડ દરમિયાન ઓરેવાના એમ.ડી. જયસુખ પટેલ ફરાર થયા બાદ કયાં રોકાયા હતા ? તેમજ આ દુર્ઘટનામાં અન્‍ય કોઇની સંડોવણી છે કે કેમ ? તે મુદ્દે તેની પૂછતાછ હાથ ધરાઇ છે.

(12:29 pm IST)