Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ચોટીલામાં વિજયભાઇની ઉપસ્‍થિતીમાં કોળી સમાજનું શકિત પ્રદર્શન

કુંવરજીભાઇ બાવળીયાનું જાજરમાન સન્‍માન કરાશેઃ દોઢ લાખ લોકો ઉમટશે

ચોટીલા ખાતે સમ્‍મેલન ની તૈયારી, ૭૦૦ થી વધુ પોલીસનો ખડકલો, નાની દિકરી હોવા છતા બંદોબસ્‍ત ફરજમાં જોવા મળેલ મહિલા પોલીસ, સ્‍ટેજ નિરીક્ષણ સહિતની કામગીરી કરતા આગેવાનો અને સતત સંમેલન સ્‍થળ ઉપર ખુદ કુવરજીભાઇ ની દેખરેખᅠ કરી રહ્યા છે. (તસ્‍વીર જીજ્ઞેશ શાહ, (ચોટીલા), વિજય વસાણી (આટકોટ)

(વિજય વસાણી, જીજ્ઞેશ શાહ દ્વારા) આટકોટ-ચોટીલા તા. ર :.. આજે ચોટીલા ખાતે યોજાનારા અખિલ ભારતીય કોળી સમાજના મહા સંમેલનમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્‍થિત રહેશે તેમજ આ સંમેલનમાં તાજેતરમાં જસદણની પેટા ચૂંટણીમાં વિજયી થયેલા રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું પણ અદકેરુ, સન્‍માન કરવામાં આવશે. જો કે આ સંમેલન આગામી લોકસભાની ચૂંટણી પહેલા પાટીદાર મતોની નારાજગી સામે કોળી મતો અંકે કરવા ભાજપની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાઇ રહ્યાનું રાજકીય સમીક્ષકો કહી રહ્યા છે. આજના આ સંમેલનને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પણ રેકોર્ડીંગ દ્વારા સંબોધન કરશે.

આગામી લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલ આ સંમેલન પાછળ અનેક રાજકીય મહત્‍વા કાંક્ષાઓ અંકે કરવાનું આયોજન છે જેમાં ખાસ કરી અનામત આંદોલન બાદ પાટીદાર મતોની નારાજગીથી ભાજપને આગામી લોકસભામાં જે નુકશાન જવાનું છે તેને બરાબર કરવાની પણ એક રાજકીય ચાલ હોવાનું રાજકીય સમીક્ષકો જણાવી રહ્યા છે. જયારે કુંવરજીભાઇના મત વિસ્‍તાર જસદણ ને બદલે ચોટીલા ખાતે યોજાઇ રહેલ. આ સંમેલનથી સુરેન્‍દ્રનગરનાં કોળી સમાજના આગેવાન અને પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડાભાઇનું કદ ઘટાડવા ચોટીલા ખાતે આ સંમેલન યોજવાનું નકકી થયું છે.

જો કે આયોજકો દ્વારા ચારેય દિશા માંથી આવતા કોળી સમાજને આવવામાં મુશ્‍કેલીના પડે તે માટે ચોટીલાનું સ્‍થળ પસંદ કરવામાં આવ્‍યુ હોવાનું જણાવી રહ્યા છે.

આજે બપોરે ર કલાકે યોજાનારા આ સંમેલનની છેલ્લા અઠવાડીયાથી તૈયારીઓ ચાલી રહી છે જેમાં રાજયભરમાંથી કોળી સમાજનાં આગેવાનો ચોટીલા ખાતે પહોંચી સંમેલનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સંમેલનમાં અંદાજે દોઢ લાખ જેટલી મેદની ભેગી થવાનો અંદાજ આયોજકો દ્વારા લગાવાઇ રહ્યો છે ત્‍યારે ચારેય દિશાઓમાંથી આવતા કોળી સમાજનાં લોકો માટે આયોજકો દ્વારા સંમેલન સ્‍થળથી પ૦ કિ. મી. જેટલા અંતરે દરેક માટે જુદી જુદી જગ્‍યાએ જમવાની પણ વ્‍યવસ્‍થા રાખી છે જેથી સંમેલન સ્‍થળે કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાઇ.

અખિલ ભારતીય કોળી સમાજનાં બેનર હેઠળ યોજાનારા આ સંમેલનમાં કોળી સમાજ સામાજીક રીતે શિક્ષિત અને સંગઠીત બની આર્થિક રીતે પગભર થાય તેમજ સમાજમાં શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવવાનો ઉદેશ મુખ્‍ય છે.

આ સંમેલનમાં કોળી સમાજના આસ્‍થાનાં પ્રતિક ગણાતી સતરંગની જગ્‍યાના મહંત હરીરામબાપા, દેવાબાપાની જગ્‍યાના મહંત વિરજી ભગત, રામ-રણુજા આશ્રમની જગ્‍યાના મહંત લાભુગીરીબાપુ, અને કાળાસર ઠાકરની જગ્‍યાના મહંત વાલાબાપા ખાસ ઉપસ્‍થિત રહી આશિર્વચન આપશે.

આ સંમેલન અંગે રાજકીય સમીક્ષકોના જણાવ્‍યા મુજબ  ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા કેટલાક સમય થી પાટીદાર સમાજની નારાજગી આંદોલનો થકી ઉભરી આવેલ અને ભાજપનાં જે સમાજનાં મતો સિકયોર મનાતા હતા તેવા સમાજનાં પ્રભુત્‍વ વાળા વિસ્‍તારોનાં પરીણામ અને રૂપાણી નાં નેતૃત્‍વમાં સરકારમાં પ્રભુત્‍વ ધરાવતા સમાજના નેતાઓની આંતરીક રાજકીય રમતો થી ભાજપ મવડીઓમાં લોકસભાને લઈને સિકયોર મનાતા મતો અનબેલેન્‍સ થયાનો હાઉ પેસી ગયેલ મોવડીઓનાં પોસ્‍ટમોટમ પછી કોગ્રેસનાં કોળી સમાજનાં કદાવર મનાતા નેતા એવા કુવરજી બાવળીયાને કેબીનેટ મંત્રી પદ આપી થયેલ કેટલીક સોદાબાજી પછી પેટા ચૂટણી લડાવી વિજેતા બનેલ બાવળીયાની સમાજની આગેવાની નીચે સન્‍માન સાથે મહાસંમેલનનાં આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી ની પ્રેરણાત્‍મક હાજરી અને વડા પ્રધાન લાઇવ સંબોધનની શક્‍યતા સાથે બપોરનાં બે કંલાકે ચોટીલાનાં સાંગાણી ખાતે અમદાવાદ, ભાવનગર, સુરેન્‍દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ઉના પોરબંદર જેવા કોળી પ્રભુત્‍વ વાળા વિસ્‍તારોનાં દોઢ લાખ લોકો ઉમટશે જેમા વિવિધ વિસ્‍તારોનાં કોળી સમાજનાં અનેક રાજકીય, સામાજીક અને ચૂટાયેલ આગેવાનો સાથે સમાજ મોટી સંખ્‍યામાં હાજરી આપશે તેવી આશા સાથે આᅠમહાસંમેલન યોજાયેલ છે.

સમાજમાં પણ આ સંમેલનને લઇનેᅠ કોગ્રેસના ધારાસભ્‍યો અને આગેવાનોમાં નારાજગી ઉઠેલ છે જેઓ કહે છે કે આ સમાજનું નહી ભાજપ નું સમ્‍મેલન છે સમાજ જાણતો નથી અમને આમંત્રણ નથી તેવી વાતો પણ મિડીયા સમક્ષ કરેલ છે ત્‍યારે વિરાટ શકિત પ્રદર્શન થકી સમાજ સુધારણાની અનેક વાતો સાથે આ સમાજને પ્રબળ રાજકિય વજન અપાય તે માટેની કવાયત પણ કરાશે તેવી શક્‍યતાઓ છે.

ભાજપનાં સુત્રમાં ઉઠેલ ચર્ચામાં પાટીદાર સમાજનાં ડર સામે સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું કાર્ડ આગામી ચૂટણીમાં રમાશે તેનો શંખનાદ આ સમ્‍મેલનમાં શકિત પ્રદર્શન થકી હોવાનું કહેવાય છે અને લોકસભાની ચૂટણી પહેલાજ રાજકિય શંખનાદ હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે એક અંદાજ મુજબᅠસૌરાષ્ટ્રનાં ૧૨ થી ૧૪ ટકા પટેલ મતો સામે ૨૨ થી ૨૫ ટકા કોળી મતદારોને અંકે કરવાની લડાઇનાં શ્રી ગણેશ આ સમેલનથી થતા હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.ᅠ

સીએમ આવશે પ્રધાન મંત્રી સંબોધશે તેથી પૂર્વ તૈયારીમાં ખુદ કેબીનેટ મંત્રી સહિત ભાજપનાં કોળી સમાજ સહિતનાં નેતાઓᅠ છેલ્લા આઠ દિવસ થી ચોટીલામાં ધામા નાખેલ છે અને ઉપસ્‍થિત મેદની અંગે સંપૂર્ણ તૈયારીઓ કરેલ છે.

આ સંમેલન અંગે ચોટીલા વિસ્‍તારના કોળી સમાજનાં કોગ્રેસના ધારાસભ્‍ય ઋત્‍વિક મકવાણાએ કહેલ કે જો સમાજનું હોય તો અખિલ ભારતીય કોળી સમાજનાં કોઇ મહત્‍વનાં હોદ્દેદાર દ્વારા હજુ મને આમંત્રણ અપાયેલ નથી આ તો રાજકીય છે અને ભાજપનું આ નિતિનભાઇ અને પરસોતમભાઇ સામેનું ગૃહ યુદ્ધ છે.

ત્‍યારે આ સંમેલન થકી અનેક રાજકીય અટકળો વહેતી થયેલ છે જેમાં આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનાં પ્રભુત્‍વ વાળા વિસ્‍તારોમાં આવાજ સંમેલન યોજાય તેવી પ્રબળ શક્‍યતાઓ જોવાય છે. આ સંમેલનને સફળ બનાવવા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના અધ્‍યક્ષ ભુપતભાઇ ડાભી દ્વારા જીલ્લાના ગામડામાં પ્રવાસ કરી મોટી સંખ્‍યામાં હાજર રહેવા જણાવ્‍યું હતું તેમની સાથે કાળુભાઇ ડાભી, પોપટભાઇ રાજપરા, વિનોદભાઇ નાગાણી, વાઘજીભાઇ મેવાસીયા, બાલુભાઇ (ભવાની ટ્રાવેલ્‍સ આટકોટ) સહિત જોડાયા હતાં.

(4:09 pm IST)