Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

કચ્‍છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની પ્રમુખની ચૂંટણીની રસાકસી વચ્‍ચે એકાએક બિનહરીફ

ભુજ તા. ૨ : કચ્‍છના જિલ્લા અને તાલુકા પંચાયત કર્મચારીઓની ચૂંટણીની રસાકસી વચ્‍ચે એકાએક યુ ટર્ન આવ્‍યો છે. હજી સુધી કચ્‍છના પંચાયત કર્મચારીઓ સહિત અન્‍ય સરકારી કર્મચારીઓ માં ત્રીજા વર્ગ કર્મચારીઓની ચૂંટણીની ચર્ચા હતી ત્‍યાં જ એકાએક એક નામ પર સંમતિ સર્જાઈ હતી.

કચ્‍છમાં જિલ્લા અને દસ તાલુકા પંચાયતના ત્રીજા વર્ગના કર્મચારી ઓ ની પ્રમુખની ચૂંટણી આ વખતે એક સાથે ચાર ચાર પ્રમુખ પદના દાવેદારોના કારણે ચર્ચામાં હતી. વળી, ચારેય દાવેદારોની ૧૧/૧૧ સભ્‍યોની પેનલ પણ મેદાનમાં હતી. ૩જી ફેબ્રુઆરીના યોજાનાર આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે રાજુભા જાડેજા, ભાવનાબેન પઢીયાર, જયવીરસિંહ જાડેજા અને વિજય ગોર મેદાનમાં હતા. પણ, આજે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાના અંતિમ દિવસે એકાએક યુ ટર્ન આવ્‍યો હતો. ચૂંટણી બિનહરીફ થાય તે માટે લગભગ ચાર થી ૫ કલાક સુધી સમજાવટ ચાલી હતી. પૂર્વ કર્મચારી આગેવાન ગિરીશ જોષી અને કચ્‍છ પંચાયત કર્મચારી વર્ગના અલગ અલગ મંડળોના પ્રમુખ સહિત અન્‍ય કર્મચારી આગેવાનોની ઉપસ્‍થિતિમાં ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ પદના ચારેય ઉમેદવારો વચ્‍ચે સમજાવટનો દોર ચાલ્‍યો હતો. અનેક ચડાવ ઉતાર વચ્‍ચે અંતે રાજુભા જાડેજા ના નામે સર્વ સંમતિ સધાઈ હતી. રાજુભા જાડેજા હાલમાં જ તલાટી કેડરમાંથી પ્રમોશન મેળવીને વિસ્‍તરણ અધિકારી તરીકે ત્રીજા વર્ગ માં બઢતી પામ્‍યા છે. જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અને રાજય તલાટી મહામંડળના ઉપપ્રમુખ રહી ચૂકેલા રાજુભા જાડેજા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે હમણાં જ સફળ લડત ચલાવી ચુક્‍યા છે.

રાજય તલાટી મંડળ ના કર્મચારી સંગઠન ના તેમના કન્‍વીનર તરીકે ના નેતૃત્‍વ હેઠળ ચાલવાયેલી લડત બાદ પ્રથમ જ વાર તલાટી કેડર ને વિસ્‍તરણ અધિકારી તરીકે નું પ્રમોશન મેળવવામાં સફળતા મળી હતી. ત્રીજા વર્ગ કર્મચારી મંડળ ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા બાદ ન્‍યૂઝ૪કચ્‍છ સાથેની વાતચીત માં પૂર્વ કર્મચારી આગેવાનો, સૌ ઉમેદવારો અને સાથી કર્મચારીઓ અને અન્‍ય કર્મચારી મંડળોના આગેવાનોનો આભાર માનતા જણાવ્‍યું હતું કે અહીં પણ તેમની પ્રથમ લડત ત્રીજા વર્ગ ના કર્મચારીઓના પ્રમોશન માટેની રહેશે. તે સિવાય કર્મચારીઓ ને નડતા અન્‍ય નાના મોટા પ્રશ્નો અને જે કંઇ મુશ્‍કેલીઓ હશે તેનો કર્મચારીઓ, અધિકારીઓ એન્‍ડ પદાધિકારીઓની સાથે મળીને નિરાકરણ લાવીશું. કચ્‍છના ૩૩૭ જેટલા ત્રીજા વર્ગના કર્મચારી મંડળ માં પ્રમુખ સહિત ૧૧ સભ્‍યો ની કારોબારી હોય છે. પ્રમુખ હોદ્દાની રુએ અન્‍ય કર્મચારીઓ ને કોઓપ્‍ટ હોદ્દેદાર તરીકે લઈ શકે છે. આમ સર્વ સંમતિ સધાતા ત્રીજા વર્ગ કર્મચારી મંડળની ચૂંટણી હવે નહિ યોજાય.

(11:13 am IST)