Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

POS મશીન દ્વારા ખાતરનું વેચાણ ખેડૂતો માટે લાભદાયી : સુજીત કુમાર

બોટાદ જીલ્લામાં POS દ્વારા સબસીડી યુકત ખાતર વેચાણનો કલેકટર દ્વારા પ્રારંભ

બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સબસીડીવાળા ખાતર વેચાણનો POS મશીન દ્વારા જીલ્લા કલેકટર સુજીતકુમારે પ્રારંભ કરાવ્યો તે પ્રસંગની તસ્વીર.

બોટાદ તા.૨ : બોટાદ જીલ્લાના ખેડૂતોને સબસીડી પાત્ર ખાતરનું પી.ઓ.એસ. મશીન દ્વારા વિતરણનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતુ કે, ખેડૂતોને પારદર્શકતા સાથે ખાતર મળી રહે અને ખાતરનો બીન જરૂરી ઉપયોગ અટકે તેમજ ખેડૂત સિવાયના કોઈ લોકો સુધી ખાતર ન પહોંચે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે સરકારે પી.ઓ.એસ. મશીન દ્વારા સબસીડીપાત્ર ખાતરના વિતરણનો ખેડૂતો માટે હિતકારી નિર્ણય કર્યો છે. પી. ઓ.એસ. મશીન દ્વારા થતું ખાતરનું વિતરણ ખેડૂતો માટે ઉપકારક બની રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, પી.ઓ.એસ. મશીન દ્વારા ખાતરનું વિતરણ થતાં ખેડૂતોને સમયસર ખાતર મળી રહેશે, સાથો સાથ ખાતરની કૃત્રિમ અછત દૂર થશે અને પારદર્શકતા સાથે ખેડૂતોને તેમના ખાતર ઉપર કેટલી સબસીડી મળી છે તે પણ તેઓ જાણી શકે છે.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એન. જે. ગોહિલે જિલ્લામાં આજથી ૧૫૦ જેટલા કેન્દ્રો ઉપરથી પી.ઓ.એસ. દ્વારા ખાતર વિતરણનો શુભારંભ કરવામાં આવી રહયો છે, તેમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, પારદર્શકતા સાથે સરકારે આ કાર્ય આરંભ્યું છે, ત્યારે ખેડૂતોને પણ રાસાયણીક ખાતરનો સમતોલ ઉપયોગ કરવો પડશે.

પ્રારંભમાં જી.એન.એફ.સી. ડેપોના દલસાણીયાભાઈએ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી મનહરભાઈ માતરીયા સહિતના આગેવાનો તથા ખેડૂતો ઉપસ્થિત રહયાં હતાં.

(11:21 am IST)