Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

કોડીનાર-ઉના ગીરગઢડા તાલુકામાં તમામ સરકારી કચેરીઓની ઓનલાઇન કનેકટીવીટી બંધઃ વારંવાર કેબલ તૂટતા મૂશ્કેલી

કોડીનાર તા.ર : કોડીનારની તમામ સરકારીકચેરીની ઓનલાઇન કનેકટીવીટી ગઇકાલથી અચાનક બંધ થઇ જતા છેલ્લા ર૪ કલાક દરમિયાન તમામ સરકારી કચેરીના ઓનલાઇન કામકાજ બંધ થઇ જતા સેંકડો લોકોના કામ રઝળી પડયા હતા. તેમજ કેટલાક લોકોના આખર તારીખે કરવાના મહત્વના કામો ઓનલાઇન કનેકટીવીટી બંધ થઇ જવાના કારણે થઇ શકયા ન હતા.

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ ચાલુ હોય બીએસએનએલના ભ્રષ્ટ તંત્ર દ્વારા જે તે સમયે નિયમ મુજબ કામગીરી કરવાને બદલે રોડની સાઇડમાં ઉપર ઉપર ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાખી દીધો હોય રોડ કામમાં ચાલતા હેવી વાહનોના કારણે આ કેબલ વારંવાર ટુંટી જવાથી મુશ્કેલી ઉભી થાય છે. ગઇકાલે બપોરના કોડીનાર - ઉના - ગીરગઢડા તાલુકાની તમામ કચેરીની કનેકટીવીટી બંધ થઇ જતા લોકોના નાના મોટા  તમામ કામો રઝળી પડયા છે. ત્યારે વારંવાર બનતી આઘટનાનો યોગ્ય ઉકેલ લાવવા તંત્ર દ્વારા પગલા ભરાય તે ઇચ્છનીય છે.

(11:50 am IST)