Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

વાંકાનેરમાં પતાળીયા નદી ઉપર પાયા ખોદાયા બાદ ફરીથી પુલનું કામ ઠપ્પ

વાંકાનેર, તા. ર : વાંકાનેરથી કુવાડવા રાજકોટ જવા માટે વાંકાનેર શહેરની પતાળીયા નદી પરના જૂના સાંકડા અને નાના બેઠા પુલને નવો બનાવવા વિતેલા વર્ષની જાન્યુઆરીએ તોડી પડાયેલ. દરરોજ હજારો વાહનોની અવર જવર થતી તેવા આ પુલને નવો બનાવવા રાજય સરકાર તરફથી ર૦૧૬-૧૭ની ગ્રાન્ટ મંજૂર કરાયેલી છે.

પુલ તોડતી વેળા તે સમયના મોરબી કલેકટરે ૧પ/ર/!૮થી ૧૬/૬/૧૮ સુધી આ રસ્તો બંધ કરી કાર્ય પૂર્ણ થવા બાબતનું જાહેરનામુ બહાર પાડેલ છે જે અવધી પૂરી થયા બાદ પણ તોડી પડાયેલા પુલના પાયાનું કે ડાયવર્ઝનનું કોઇ જ કામ થવા પામેલ નહોતું તે સમયે લોકોમાં ઉહાપોહ થતા અને લોકોની રજુઆતો-આક્રોશને વાચા આપવા નવો પુલ તો નહીં, કમ સે કમ નાના વાહનો પસાર થઇ શકે તેવો ડાયવર્ઝન રસ્તો બનાવવા પત્રકાર અને સામાજીક અગ્રણી મહમદભાઇ રાઠોડે અધિકારીઓનો સંપર્ક કરી ડાયવર્ઝન રસ્તો બનવા પામેલો. આ સાથે નવા પુલની કાર્યવાહી તૂર્ત થવા પામે તેવી રજૂઆતોને અંતે દિવાળી બાદ બદલાયેલા નવા કલેકટર માકડીયા, જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઇજનેર-નાયબ ઇજનેર અને આ પુલના કોન્ટ્રાકટરની આ કામ અંગેની રજુઆત પ્રથમ વાંકાનેર આવેલા રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહીર પાસે, વાંકાનેર નગરપાલિકાના માજી પ્રમુખ જીતુભાઇ સોમાણી, ભાજપના દીનુભાઇ વ્યાસ, ન.પા. પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપપ્રમુખશ્રી તથા કારોબારી ચેરમેનશ્રી સાથે અગ્રણીઓએ પતાળીયા પુલના કામની ગ્રાન્ટ ર૦૧૬-૧૭માં મંજૂર કરવામાં આવી છે. તેમ છતાં આ પુલનું કામ શરૂ ન થતા, મંત્રીશ્રી વાસણભાઇ આહીરે ગાયત્રી મંદિરે ર૦૧૮ના વન મહોત્સવ નિમિત્તે કલેકટરશ્રી માકડીયાને રૂબરૂ બોલાવીને આ પુલનું બાંધકામ તાત્કાલીક હાથ ધરવા સુચનાઓ આપેલ, બાદમાં લાંબા સમય સુધી કામ ચાલુ ન થતા વાંકાનેરનું એક પ્રતિનિધિમંડળ કલેકટર પાસે જઇ મોહર્રમ નિમિત્તે રપ વારીયા વિસ્તારના તાઝીયાઓ માટે રસ્તો ન હોઇ, તાત્કાલીક ડાયવર્ઝન કાઢવા રજૂઆત કરતા બે દિવસમાં તોડી પડાયેલા પુની બાજુમાં નાના વાહનોની અવર જવરનો રસ્તો શરૂ કરવામાં આવેલ. દિવાળી બાદ નવા પુલના પાયાના કામનો પ્રારંભ થતા, હાલ પણ પાયાના પાંચ જેટલા મોટા ખાડા કરવામાં આવેલ છે તથા બાજુમાં રહેલુ ડાયવર્ઝન બંધ કરાતા વાહનો તો ઠીક, લોકોનો ચાલવાનો રસ્તો પણ સાવ બંધ કરી દેવાયેલ છે.

આ રસ્તો બંધ કર્યા બાદ હાલના કલેકટરશ્રી માકડીયાએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રેસ દ્વારા જાન્યુઆરી ૧-૧-૧૯થી ૩૧-પ-૧૯ સુધી રસ્તો સદંતર બંધ કરવાનું જાહેર કરવા સાથે જ નવા પુલનું ચાલી રહેલુ કામ પણ જડબેસલાક બંધ જોવા મળે છે જેના સામે રાજકોટ રોડ વિસ્તારના રહીશો, પર વારીયા, ગેબી સોસાયટી, એકતા સોસાયટી, ગુલાબનગર તથા રાજાવડલા ગામના લોકોમાં આ પુલના પ્રશ્ને રોષ જોવા મળી રહ્યો છે. જો પુલનું કામ ત્વરીત ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનના મંડાણ થાય તેવી ચર્ચાઓ સંભળાઇ રહી છે. પુલના કામને કારણે કેબલો કપાતા શહેરના ટેલીફોનો બંધ થઇ ગયા છે.

(12:06 pm IST)