Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ફી નિયમન કાયદાના માધ્યમથી શિક્ષણ સસ્તુ અને ગુણવતાસભર બનાવવા જુનાગઢ જીલ્લા વાલી મંડળની માંગણી

જુનાગઢ તા.ર : રાજયભરમાં ખાનગી શાળાઓના બેફામ ફીના ઉઘરાણાના દુષણને કાબુમાં લેવા ફી નિયમનના કાયદાના અમલને જીલ્લા વાલી મંડળ દ્વારા આવકારી આ કાયદાના અમલની યોગ્ય વ્યવસ્થા થકી શિક્ષણ સસ્તુ અને ગુણવતાસભર બનવુ જોઇએ તેવી માંગ કરી છે.

મધ્યમ અને ગરીબ પરિવાર પેટે પાટો બાંધીને બાળકોના સારા શિક્ષણ પાછળ પૈસા ખર્ચવામાં જરાપણ લોભ કરતા નથી. ખાનગી અને અંગ્રેજી માધ્યમની શાળામાં ભારે ઘસારો થાય છે. શિક્ષણ અંગેની જાગૃતિનો ગેરલાભ લેવા મોટાભાગની ખાનગી શાળાઓ તગડી ફી વસુલે છે.

પ્રવેશ માટે ડોનેશનના દુષણ સામે પ્રજાને સુરક્ષા આપવા માટે સરકારે ફી નિયમન કાયદો બનાવવા વ્યાજબી લેવાનુ કાયદાને હાઇકોર્ટે પણ યોગ્ય ગણાવ્યુ છે ત્યારે હવે આ કાયદાનો જોગવાઇ મુજબ જ અમલ થાય. શાળાઓ યોગ્ય દરે ફી વસુલે તે અંગે ભ્રષ્ટાચાર રહીત વ્યવસ્થા થવી જોઇએ તેવી માંગ કરી કાયદાને આવકારની સાથે-સાથે જો આ કાયદા અંગે કોઇપણ શૈક્ષણિક સંસ્થા જોગવાઇ મુજબ અમલ કરવામાં ચુક કરે તો વાલી મંડળ આ અંગે ધારા-ધોરણ વિના નિયમથી વધુ ફી ઉઘરાવનાર શાળા સામે જરૂર પડે કાનૂની કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરી ફી નિયમનના કાયદાનો આજથી જ અમલ થાય અને વાલીઓને જાગૃત થઇ પોતાના સંતાનોને સારી રીતે શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે દરેક સંસ્થામાં આ કાયદાનો યોગ્ય અમલ થાય તે માટે અપીલ કરી છે.

જીલ્લા વાલી મંડળના પ્રમુખ શૈલેષભાઇ પારેખે ફી નિયમનનાં કાયદો લાવનાર અને કાયદા માટે નિમિત બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણ મંત્રીનો આભાર વ્યકત કર્યો છે.(૩-ર)

(9:15 am IST)