Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મીઠાપુર : સગીરાને લગ્નની લાલચ આપી લખમણ ઉર્ફે લખન સુમણીયા ભગાડી ગયો : ફરિયાદ

જુગાર રમતા ૪ મહિલા ઝડપાઇ : ખંભાળીયા ઓખામાં પીધેલા પકડાયા

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળીયા,તા.૧ : જામ ખંભાળિયા, મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની આશરે પોણા ચૌદ વર્ષની સગીર પુત્રીને ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતો લખમણ ઉર્ફે લખન સુમણીયા નામનો શખ્સ લલચાવી- ફોસલાવીને લગ્ન કસ્વાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે ગત તારીખ ૨૯ ના રોજ રાત્રીના કોઈ પણ સમયે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવી છે.

જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. જી.આર. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડમાં પરિણીતાને ત્રાસ આપી મારી નાખવાની ધમકી : પતિ સહિત ત્રણ સામે ગુનો

ભાણવડ તાલુકાના ઝારેરા ગામે રહેતી અને જેઠાભાઈ શીરની પુત્રી મનિષાબેન અંકિતભાઈ કારેણા (ઉ.વ. ૨૬) ને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના જામરોજીવાડા ગામે રહેતા પતિ અંકિત અશોકભાઈ કારેણા, સસરા અશોકભાઈ માલદેભાઈ કારેણા તથા સાસુ ભાનુબેન દ્વારા અવાર-નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા ઘરમાંથી કાઢી મૂકી, સાસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

મીઠાપુરમાં જુગાર રમતા ચાર મહિલાઓ ઝબ્બે

મીઠાપુરના રેલ્વે સ્ટેશન સામેથી સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ગીતાબેન રાજુભાઈ દત્તાણી, કાજલબેન ભીખલભાઈ સંચાણીયા, ઉષાબેન રમેશભાઈ સંચાણીયા અને પપ્પુબેન અશોકભાઈ કાંજીયા નામના ચાર મહિલાઓને ઝડપી લઈને કુલ રૂપિયા ૧,૩૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળિયા અને ઓખામાં પીધેલા વાહનચાલકો ઝડપાયા

ખંભાળિયાના પોલીસ સ્ટેશન સામેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા દસ હજારની કિંમત બજાજ પ્લેટીના મોટરસાયકલ નંબર જી.જે. ૧૦ બી.ઈ. ૦૮૫૬ લઇને નીકળેલા અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશ અશોકભાઈ પરમાર (ઉ.વ. ૪૦) ને પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે ઓખાની પેસેન્જર જેટી પાસેથી ગતરાત્રે પીધેલી હાલતમાં રૂપિયા ૧૦ હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને નીકળેલા મૂળ પોરબંદર તાલુકાના વિસાવદર ગામે રહેતા લાલા રામભાઈ કેશવાલા નામના ૨૭ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો.

છરી સાથે આધેડ ઝડપાયો

ભાણવડના ચૂનારવાસ વિસ્તારમાં રહેતા રામભાઈ ઉર્ફે રામુ રવજીભાઈ રાઠોડ નામના ૫૫ વર્ષના દેવીપુજક પ્રૌઢને કપૂરડી ચેકપોસ્ટ પાસેથી છરી સાથે ઝડપી લઇ, પોલીસે તેની સામે જી.પી. એકટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ઓખામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા ફારૂક ઈસ્માઈલભાઈ બોલીમ નામના ૩૦ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે ગત રાત્રે સાડા નવેક વાગ્યે કનકાઈ જેટીના પાકિંગ પાસેની દૂકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એકટની કલમ ૧૨૨ (સી) હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:52 pm IST)