Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વંથલી પાસે સવારે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત - જૂનાગઢના કાર ચાલકનું મોત

મૃતકને ક્રેનની મદદથી અને ઇજાગ્રસ્તને કાર તોડીને બહાર કાઢયા

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧ : વંથલી પાસે આજે સવારે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના કાર ચાલકનું મોત થયાનું અને એકને ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, મૃતકને ક્રેનની મદદથી અને ઇજાગ્રસ્તને કાચ તોડીને બહાર કાઢવાની ફરજ પડી હતી.

આ અકસ્માત અંગે પ્રાપ્ત થયેલ પ્રાથમિક વિગતો એવી છે કે, આજે સવારે એક કાર જૂનાગઢથી કેશોદ તરફ જઇ રહેલ ત્યારે વંથલી નજીક રેતી ભરેલ ડમ્પર (જીજે૦૭-વાયઝેડ-૬૪૦૪) આ કાર (જીજે૧૧એએસ-૦૦૧૭) સાથે જોરદાર રીતે અથડાતા બંને વાહનો ડિવાઇડર પર ફંગોળાયા હતા.

જેમાં કાર ચાલકનું સ્થળ પર મોત થયું હતું અને એકને ઇજા થઇ હતી.

આ અકસ્માતને લઇ કારનો બુકડો બોલી ગયો હતો અન કારમાં સવાર બે વ્યકિતને બહાર કાઢવા મુશ્કેલ જણાતા જૂનાગઢ મનપાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવેલ.

આથી ફાયર બ્રિગેડના અરજણ નંદાણીયા, કનુ પરમાર, ભગતસિંહ રાઠોડ, અશ્વિન નંદાણીયા અને નુરમહમદ શેખ વગેરેએ દોડી જઇને ક્રેનની મદદથી કારમાંથી મૃતકને અને ઇજાગ્રસ્તને કારના કાચ તોડીને બહાર કાઢયા હતા.

મૃતક જૂનાગઢના અગરબત્તીના વેપારી દિલીપભાઇ ભગવાનજીભાઇ સિરોદરીયા (ઉ.૪૯) હોવાનું અને તેઓ તેમજ તેમની સાથેની ઇજાગ્રસ્ત વ્યકિત કારમાં અગરબત્તીના વેચાણ માટે જઇ રહ્યા હતા.

આ અકસ્માત અંગે વંથલી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:35 pm IST)