Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજ ઉપરથી ટેન્કર નીચે ખાબકયું.

ટેન્કર ચાલકને ઇજા, ઢંગધડા વગરના ઓવરબ્રિજના કામને લીધે ટેન્કર નીચે પટકાયું, સિંગલ પટ્ટીનો રોડ હોવાથી ૩ થી ૪ કિમિ વાહનોના થપ્પા, અંતે ક્રેઇનની મદદથી ટેન્કરને હટાવી ટ્રાફિક ક્લિયર કરવાયો

મોરબી રાજકોટ હાઇવેને ફોરેલન કરવાની અણઘડ કામગીરી અને મોરબી નજીક આવેલા ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજની ધમીગતીએ ચાલતી કામગીરી વચ્ચે આજે ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજ ઉપરથી ટેન્કર નીચે ખાબકયું હતું. આ ઘટનામાં ટેન્કર ચાલકને ઇજા થઇ હતી. સિંગલ પટ્ટીનો રોડ હોવાથી ૩ થી ૪ કિમિ વાહનોના થપ્પા લાગી ગયા હતા. અંતે ક્રેઇનની મદદથી ટેન્કરને હટાવી ટ્રાફિક ક્લિયર કરવાયો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવાની ઘણા સમયથી ચાલી રહી છે. પણ આ કામગીરી અણઘડ રીતે થતી હોવાથી અકસ્માતની વણઝાર થઈ રહી છે. તેમાંય મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી દરમિયાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ ઢંગધડા વગરની થઈ રહી હોય આજે અકસ્માતની ઘટના બની હતી જેમાં ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ ઉપર એક પાણીનું ટેન્કર નીચે પલ્ટી મારી ગયું હતું.
ઓવરબ્રિજ ઉપર સલામતીની દીવાલ ન હોવાથી આ ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.જો કે આ ઘટનામાં ટેન્કર ચાલકને ઇજા થતાં તેને ૧૦૮ માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતા. આ બનાવને પગલે સિંગલ પટ્ટીના રોડ ઉપર ૩ થી ૪ કિમિ સુધી વાહનોની કતારો લાગી હતી અને ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંતે ક્રેઇનની મદદથી ટેન્કરને દૂર કરી ટ્રાફિક કિલયર કરાવાયો હતો.

(11:56 am IST)