Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબી જીલ્લામાં ખુલ્લેઆમ ચાલતી ખનીજચોરી અટકાવવા કલેકટરને રજૂઆત:

આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદન.

મોરબી જીલ્લાના હળવદ, માળિયા, ટંકારા અને વાંકાનેર તાલુકામાં ખુલ્લેઆમ ખનીજચોરી થતું હોવાનું જણાવીને આમ આદમી પાર્ટીએ ખનીજ ચોરી અટકાવવા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે
જે આવેદનમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી, મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા, માટેલ, ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બે રોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાનું પણ અમને જાણવા મળ્યું છે.
જેથી તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં કુદરતી સંપત્તિની ગેરકાયદેસર ચાલતી લૂંટ અટકાવવા માંગ કરી છે અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી છે.

(11:48 am IST)