Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ભુજમાં ૧૮ લાખના ૧૨ કિલો ચરસ સાથે બે શખ્સો ઝડપાયા : ત્રણ ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઈ એ.આર. ઝાલાને બાતમી મળી હતી કે ભુજના એરપોર્ટ રીંગ રોડ પર માદક પદાર્થ ચરસના વેચાણની તજવીજ કરાઈ રહી છે. બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા રેઈડ કરવામાં આવી હતી.

જેમાં અબડાસા તાલુકાના ભાચુંડાના ઈસમ મામદ હુશેનને ૪ કિલો ૮૫૦ ગ્રામ ચરસ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ૭ લાખ ૨૭ ૫૦૦ના ચરસ સાથે વેચાણ માટે વપરાતી મોટર સાઈકલ તેમજ મોબાઈલ સહિત ૭.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી મામદની પુછપરછ કરતાં તેણે સુથરીના મુસ્તાક અલીમામદ સુમરા, કામસ અલીમામદ સુમરા અને આમદ ઉર્ફે અધાયો ઉર્ફે ફન્ટી સિધિક મંધરાએ ચરસનો જથ્થો આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા સુથરીની સીમ વિસ્તારમાં આરોપી મુસ્તાક અલીમામદ સુમરાને ત્યાં રેઈડ કરતાં ત્યાંથી ૭ કિલો ૩૦૦ ગ્રામ ચરસ, કિંમત રૂપિયા ૧૦ લાખ ૯૭ હજાર ૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. સાથે કાસમ અલીમામદ સુમરા અને આમદ ઉર્ફે અધાયો હાજર મળ્યા ન હતા.

મુસ્તાકની પુછપરછમાં આ ચરસનો જથ્થો સુથરીના વિજય સિધિક કોલીએ વેચાણ અર્થે આપેલ હતો. પાંચેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ભુજ શહેર એ ડિવિઝન ફરિયાદ નોંધાઈ હતી. આગળની કાર્યવાહી માટે પકડાયેલ મુસ્તાક અને મામદની પુછપરછ હાથ ધરાઈ છે.

જયારે ત્રણ ફરાર આરોપીઓ વિજય કોલી, કાસમ સુમરા અને આમદ મંધરાને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ મુસ્તાક, કાસમ અને આમદ સામે અગાઉ જખૌ પોલીસ સ્ટેશનમાં ચોરીના ચાર ગુના નોંધાઈ ચુકયા છે.

(11:07 am IST)