Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ધોરાજી સરકારી હોસ્પિટલમાં એમડી - એમબીબીએસ - એમ.એસ. જેવા મહત્વના ડોકટરની જગ્યા ખાલી..?

ધોરાજી કોમી એકતા સંગઠન દ્વારા સરકારી હોસ્પિટલમાં ડોકટરોની નિમણૂંક કરવા બાબતે આરોગ્ય મંત્રીને આવેદન પાઠવ્યું : સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન ? : સરકારી કોવિડ હોસ્પિટલમાં તાત્કાલિક એમડી તેમજ એમબીબીએસ ડોકટરની નિમણૂંક કરવા માંગ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧ : કોમી એકતા સંગઠન દ્વારા રાજયના આરોગ્ય મંત્રીને સંબોધી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ડોકટરની ખાલી જગ્યા ભરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યુ હતું.

ધોરાજી કોમી એકતા સંગઠનના પ્રમુખ મોહમ્મદ અલી લાઈટર વાલા, જુબેરભાઈ કુરેશી, રફિકભાઈ બ્લોચ, કમલેશભાઈ ઠુંમર વિગેરે એ રાજયના આરોગ્યમંત્રી નિતિનભાઈ પટેલને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલ દાતાઓના દાનથી અદ્યતન ચાર માળ ધરાવતી હોસ્પિટલ બનાવી છે પરંતુ ડોકટરોને અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં હાલમાં કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે તેમાં પણ ફૂલ ટાઈમ એમડી કે ફુલટાઈમ એમબીબીએસ ડોકટર નથી...? તેમજ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોકટર નથી ઓર્થોપેડિક ડોકટર નથી તેમજ બાળ રોગ નિષ્ણાંત ડોકટર નથી તેમજ એમ.એસ ડોકટર નથી તેમજ રેડીયોલોજીસ્ટ ડોકટરની પણ જગ્યા ખાલી છે આ પ્રકારે ધોરાજી સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.

હાલમાં ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકાના ઈમરજન્સી દર્દીઓ પણ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવે છે ત્યારે ડોકટરને અભાવે તાત્કાલિક અસરથી ઇમરજન્સી સારવાર વાળા દર્દીઓને જુનાગઢ અથવા રાજકોટ ખસેડવામાં આવે છે.

આ બાબતે રાજયના આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલ તાત્કાલિક અસરથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોકટરોની નિમણૂક કરે તેવી કોમી એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી માગણી કરી હતી.

(11:06 am IST)