Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આજે અને કાલે કચ્છમાં કમોસમી વરસાદની શકયતા વચ્ચે હવામાનમાં પલ્ટો

ખેડૂતોને ખેતીપાકોમાં સંભવીત નુકશાનથી બચવા ખેતીવાડી વિભાગના સુચનો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: આજે ૧લી તેમજ આવતીકાલે ૨જી ડીસેમ્બર દરમિયાન કચ્છમાં કમોસમી વરસાદની શકયતા વચ્ચે હવામાનમાં પલ્ટો આવ્યો છે. દરમ્યાન આ આગાહી વચ્ચે જિલ્લાના ખેડૂતોએ ખેતી પાકોમાં થનાર સંભવીત નુકશાનથી બચવા જરૂરી તકેદારી રાખવા ખેતીવાડી વિભાગે આવશ્યક સૂચનાઓ આપી છે. સંભવિત કમોસમી વરસાદના પગલે ખેડુતોના વિવિધ પાકોને નુકશાન પહોંચવાની ભીતિ રહે છે.

જીરાં/ધાણાના, પાકમાં ઉગાવો અને વૃદ્ઘિની સ્થિતીમાં બીજનું ધોવાણ, ઉભા પાકમાં ફૂગ જન્ય સુકારો રોગના ઉપદ્રવની સંભાવના, છોડનું જમીન સાથે ચોટીને સુકાય જવું વગેરે નુકશાન થઈ શકે છે. રાયડોના પાકમાં દાંડલી અવસ્થામાં પવન અને વરસાદના કારણે રાયડાનો પાક જમીન પર ઢળી પડવાની અને આડો અવળો નમી જવાની શકયતા રહે છે, દિવેલાના પાકમાં ડોડવામાં દાણા ભરાવા અને લુંમની પરિપકવ અવસ્થામાં ગળ ખરી પડવાની શકયતા, ગળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધવાની, પવન અને વરસાદના કારણે દિવેલાનો પાક જમીન પર ઢળી પડવાની અને આડો અવળો નમી જવાની શકયતા રહે છે જેથી જીરાં/ધાણા, દ્યંઉ, રાયડો, દિવેલા વેગેરે પાકમાં સંભવિત નુકશાની નિવારવા માટે વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું મુલ્તવી રાખવુ, વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી તેમજ દિવેલાના પાકમાં ગળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધે તો સ્પીનોસાદ ૩ મી લી ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો અને જીરાં/ધાણાના ઉભા પાકમાં પાનના સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિકસ કરી છાંટકાવ કરવો.

આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે, કાચા રોડને થોડું નુકશાન થઈ શકે, પાણી ભરાવાને કારણે કાદવની સમસ્યા થઈ શકે, જર્જરીત કાચા મકાન ધરાશય થવાની શકયતા રહે, ભેખડ ધસી પડવાની શકયતા રહે, ભારે વરસાદને કારણે બાગાયતી અને ઉભા પાકને નુકશાન થવાની શકયતા રહે, નદી કાંઠાના વસ્તારમાં પાણીની ભારે આવક થવાની શકયતા રહે છે જેથી ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને પાણીનો ભરાવો થતો હોય તેવા વિસ્તારમાં જવાનું ટાળવું, શિયાળુ પાકોને આ સમય દરમ્યાન પિયત પાણી આપવાનું મુલત્વી રાખવું, તૈયાર ખેત જણસો વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં આ સમય દરમ્યાન લઈ જવી નહીં, તૈયાર ખેતપેદાશ અને પશુઓને સલામત જગ્યાએ રાખવા, આ સમય દરમ્યાન કોઇપણ પ્રકારની દવાઓ તેમજ ખાતરોનો છંટકાવ કરવો નહીં, મરઘા ઘરમાં વરસાદનું પાણી પડે નહીં તેની તકેદારી રાખવી. માછીમારોએ દરિયો ખેડવા જવું નહીં, પ્રભાવિત વિસ્તારમાં નાગરીકોએ ઘરની બહાર નીકળવું નહીં, નીચાણવાળા વિસ્તારમાં અને કાચા મકાનમાંથી લોકોએ સલામત સ્થળે ખસી જવું, પાકની કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહિ માટે કાપણી કરલે પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવો વગેરે તકેદારી રાખવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

(11:03 am IST)