Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પશુના ગર્ભમાં આડા થઈ જતા નવજાત બચ્ચાના કારણે જીવ જોખમમાં ન મુકાઈ તે માટે આણંદપરના ભીખુભાબાપુ જાડેજા દ્વારા સેવાકાર્ય

૩૦ વર્ષથી ગૌમાતા સહિત પશુઓના દરેક રોગમાં નિપૂણતાના કારણે હજારો ગૌમાતાના જીવ બચાવ્યાઃ તબીબો ભણીને ડોકટર થાય છે જ્યારે ભીખુભાબાપુ અનુભવના કારણે નિપૂણતા ધરાવે છે

રાજકોટ, તા.  ૧ :. આણંદપરના ૭૦ વર્ષના ભીખુભાબાપુ જાડેજા પ્રખર ગૌભકત છે અને છેલ્લા ૩૦ વર્ષથી ગૌસેવાના કાર્યમાં સદા તત્પર હોય છે. ગૌમાતાના દરેક રોગમાં નિપૂણતા હોવાથી અનેક ગૌમાતાના જીવ તેઓએ બચાવ્યા છે. એક પણ રૂપિયો લીધા વગર તેઓ પશુપાલકોની સેવા કરી રહ્યા છે.
ભીખુભાબાપુ જાડેજાને ગૌમાતા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. ગામમાં રખડતા-ભટકતા પશુઓમાં કોઈ રોગચાળો દેખાય તો તરત જ પાટાપીંડી કરે અને અનુભવના આધારે પશુઓને રોગમુકત કરે છે. આવી રીતે હજારો પશુઓના જીવ બચાવ્યા છે.
ગર્ભસ્થ પશુના ગર્ભમાં નવજાત બચ્ચુ આડુ થઈ જાય અને પ્રસવમાં તકલીફ પડે ત્યારે ભીખુભાબાપુ જાડેજા પોતાના અનુભવના આધારે ગર્ભસ્થ પશુ અને બચ્ચાને બચાવી લે છે. ભીખુભાબાપુ જાડેજા કહે છે કે, તબીબો ભણીને આગળ વધે છે જ્યારે અમારા જેવા ગૌપ્રેમીઓ અનુભવના આધારે સેવાકાર્યો કરે છે.
આ ઉંપરાંત ભીખુભાબાપુ જાડેજા પક્ષીઓને ચણ, પશુઓને ઘાસચારો તથા પશુઓ માટે પાણીની વ્યવસ્થામાં અવેડા ભરવા સહિતની કામગીરી કરી રહ્યા છે.

 

(10:11 am IST)