Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વંથલીમાં ૩ જગ્યાએથી ૩૩.પ૯ લાખનો દારૂ જપ્ત

૮૦ર૮ બોટલ દારૂ કાર સહિત રૂ.૪૦.૬૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ : વંથલીમાં૩ જગ્યાએ પોલીસે ત્રાટકીને રૂ. ૩૩.પ૯ લાખની કિંમતનો ૮૦ર૮ બોટલ દારૂ પકડી પાડયો હતો અને કાર સહિત રૂ. ૪૦.૬૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. વંથલી વિસ્તારમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થવાની હોવાની બાતમી મળતા જુનાગઢ આર.આર. સેલના ગીરીરાજસિંહ વગેરેએ વંથલી ખાતે યાર્ડની બાજુમાં આવેલ એક પડતર જગ્યા ખાતે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન પોલીસ દારૂનું કટીંગ પકડી પાડયું હતું.

સ્થળ પરથી પોલીસે જીજે૧૮-એઝેડ-૭૮૧૬ નંબરનો ટાટા ટેમ્પો રૂ. ર૯ લાખ ૪૦ હજાર ૪૮૦ની કિંમતના વિદેશી દારૂની ૭૧ર૮ બોટલ સાથે પકડી પાડયો હતો. જો કે આ જગ્યાએથી એક પણ બુટલેગરો હાથ લાગ્યા ન હતા. પોલીસે રૂ. ૪૦ લાખ ૬૪ હજાર ૬૮પનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ અંગે જુનાગઢના સમીર ડોસા, કિરીટ ભગાભાઇ છેલાણા, ભુપત પુંજાભાઇ રબારી અને ભાવેશ ઉર્ફે ભાવલો સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

વંથલી પાસે બીજો એક દરોડો ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી.જી. બડવાએ સાતલપુર ધાર પાસે પાડયો હતો. અહીં પણ પડતર જગ્યામાંથી ક્રાઇમ બ્રાંચે રૂ. ૩ લાખ ૩૮ હજાર ૪૦૦નો ૬૦ પેટી દારૂ પકડી પાડયો હતો. જો કે આ કાર્યવાહી દરમ્યાન ભરત હમીર રબારી, લાખા કાળા છેલાણા, રામા હીરા ભારાઇ અને જયદીપ સામત સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

આ જ પ્રમાણે ક્રાઇમ બ્રાંચે વંથલીના નાંદરખી ગામ પાસેથી જીજે ૦૬-કેસી-૧૩ર૬ નંબરની સ્વીફટ કારમાં રૂ. ૮૦ હજાર ૪૦૦ની કિંમતનો ઇંગ્લીશ દારૂ લઇને જતો જયસુખ હમીર પાટડીયાની ધરપકડ કરી હતી. અહીંથી પોલીસે દારૂ અને કાર સહિત રૂ. ૩ લાખ ૮પ હજાર ૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. આમ પોલીસે વંથલી અને તેની આસપાસમાંથી દારૂ, કાર અન ટેમ્પો સહિત રૂ. ૪૦.૬૪ લાખનો મુદામાલ પકડી પાડતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઇ છે.

(3:52 pm IST)