Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

તબીબી ક્ષેત્રે હરણફાળ : જૂનાગઢ જીલ્લાનું સૌપ્રથમ ''મોડયુલર લૈમિનાર ઓપરેશન થીયેટર'' કેશોદમાં કાર્યરત

રૂ. ૨૫૦/- નહિ, માત્ર રૂ.૩૦/-માં નિદાન અને સંપૂર્ણ રાહત ભાવે દવા : હવે તમામ પ્રકારની માનવ બિમારીનું નિદાન અને સારવાર કેશોદમાં જ થશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧ : સ્થાનિક કેશોદે તબીબો ક્ષેત્રે એક ઉચ્ચ શીખર સર કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ''મોડયુલર લૈમિનાર ઓપરેશન થીયેટર'' મેળવી માનવ શરીરની તમામ બીમારીનું નિદાન અને સારવાર માટેની સગવડતાઓ ઉપલબ્ધ કરાવી આપી છે. અત્યાર સુધી આવા નિદાન અને સારવાર માટે રાજકોટ અથવા અમદાવાદ જવું પડતું અને આ અગવડતા માત્ર કેશોદ ને જ નહિ,પરંતુ સમગ્ર જૂનાગઢ જિલ્લાને હતી. હવેથી આવા તમામ દર્દીઓની બિમારીનું નિદાન માત્ર રૂ.૩૦/-માં અને જરૂરી તમામ દવાઓ નહિ નફો, નહિ નુકશાનના ધોરણે સ્થાનિક કેશોદમાંથી જ મળશે.

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના પ્રમુખ  શંભુભાઈ પાંચાણી અને ખજાનચી  કે.ટી.દેવાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે અમારા ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલમાં દરરોજ આશરે ૨૫૦ જેટલા દર્દીઓ પોતાની બિમારીનું નિદાન કરાવવા આવે છે.આ બિમારીમાં હૃદય, છાતી, પેટ, ફેફસા, શ્વાસ, ડાયાબીટીસ, તાવ, કમળો, ઉધરસ, સર્પદંશ, વિછીદંશ, ઝેરી દવા, ઝેરી ગેસ, દાંતના રોગો, પથરી, કીડની, પ્રોટેટ, એપેન્ડીક્ષ, પિતાશયની પથરી, અંડાશયની ગાંઠ, પેટના જુના રોગો, સારણગાંઠ, વધરાવળ, સુન્નતના, ઓપરેશન, થાઈરોઈડ, છાતીની ગાંઠ, હરસ,મસા, ભગંદર, ગર્ભાશયની કોથળી, ડીલેવરી ,સીઝેરીયન આપરશન, સોનોગ્રાફી, ધાધર, ખરજવું, સોર્યાસીસ ખીલ, મોઢામાં ચાંદા, કોઢ, ચામડીના મસા, એલર્જી, ઉંદરી, શરીર ઉપર પાણી ભરેલા ફોડલા, રકતપીત, જાતિ રોગ, જેવી વિવિધ બીમારીઓના દર્દીઓનો સમાવેશ થાય છે.

સંપૂર્ણ કવોલીફાઈડ અમારા ડોકટરોની ટીમ આ દર્દીઓનું વ્યવસ્થિત નિદાન કરે છે અને તેમાંથી દરરોજ ૪ થી પ દર્દીઓના ઓપરેશન પણ કરે છે. તેમ છતાંયે અમુક ઓપરેશનો, જરૂરી સાધનોના અભાવે થઈ શકતા ન હતાં પરીણામે આવા દર્દીઓને રાજકોટ અથવા તો અમદાવાદ જવું પડતું અને રૂપિયા એક દોઢ લાખના ખર્ચમાં ઉતરતા હતાં. આ સ્થિતિ નિવારવા જ અમોએ સૌથી આધુનીક ટેકનોલોજીથી સજજ ઉપરોકત મશીન વસાવ્યું છે અને તેનું ઉદઘાટન તાજેતરમાં માંગરોળના મામા સરકારના વરદ હસ્તે કરાવ્યું હતું. આવું ઓપરેશન થીયેટર જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ છે અને હવેથી તેનો લાભ બહુ જ ઓછા ખર્ચમાં જિલ્લાના તમામ દર્દીઓને સહેલાઈથી મળશે.

સંસ્થાના પ્રમુખ શંભુભાઈ અને ખજાનચી કે.ટી.દેવાણીએ અંતમાં એમ પણ જણાવ્યું હતું કે અમારી પાસે વિશાળ જગ્યામાં સૌ પ્રથમ અદ્યતન ખાનગી હોસ્પિટલ છે અને તેમાં આઈસીયુ વિભાગ આધુનિક બેઝીક પેથોલોજીકલ લેબોરેટરી, આધુનિક ઓપરેશન થીયેટર ,મુખ્ય મંત્રી અમૃતમ, આયુષ્યમાન ભારતીય  યોજના નીચે ઓપરેશનની સુવિધા સાથે રાઉન્ડ ધી કલોક ખડેપગે ડોકટરોની ટીમ અને સંપૂર્ણ રાહત ભાવે મેડીકલ સ્ટોર સાથે અમારૂ  ટ્રસ્ટી મંડળ તેમજ અન્ય તમામ કર્મચારીઓ માત્ર અને સેવાની ભાવના ધરાવતા હોવાથી અમો સમાજના નાનામાં નાના માણસને સંતોષકારક સારવાર આપી શકીએ છીએ અને બહારના દર્દીઓને  નહિ નફો, નહિ નુકશાનના ધોરણે મેડીકલ સ્ટોરમાંથી જરૂરી દવાઓ પણ આપીએ છીએ.  હોસ્પિટલમાં  આવતા ઘણા જરૂરીયાત વાળા દર્દીઓને જમવાનું અને પોતાના ગામ જવા માટે ભાડાની રકમ પણ આપીએ છીએ.

(1:03 pm IST)