Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

શ્રી સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમાએ દર્શન - આરતી - ખગોળીય સંયોગની ઝાંખી

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧ :. મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકીપૂર્ણિમા એ ભગવાન શિવએ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ, રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને તે દિવસે અસુરના કષ્ટમાંથી લોકોને મુકત કરાવેલ. જેથી આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો માનવામાં આવે છે.

ચંદ્રને પોતાના સ્વસુર દક્ષ પ્રજાપતિએ આપેલ શ્રાપ બાદ, મુકિત મેળવવા બ્રહ્માજીએ પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવ આરાધના કરવા જણાવેલ... પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રમાએ ૧૦ કરોડથી વધુ મહામૃત્યુંજય જાપના ફળસ્વરૂપે ભગવાન શિવજી પ્રસન્ન થયેલા અને તેમના ફળસ્વરૂપે ચંદ્રને તેની કળાઓ પુનઃ પ્રાપ્ત થઈ.. ચંદ્રની ભકિતથી પ્રસન્ન થઈ શિવ સ્વયં ચંદ્ર એટલે સોમના નાથ એમ સોમનાથ સ્વરૂપ પ્રભાસમાં બિરાજમાન થયા.

ધાર્મિક પરંપરા જળવાઈ રહે તેવા શુભઆશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ પારંપરીક મેળાનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે કોરોના વૈશ્વીક મહામારીને લઈ બંધ રાખવામાં આવેલ.

સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપૂર્ણિમાનું અનેરૂ મહત્વ સમાયેલ છે. સોમનાથના મહામેરૂપ્રસાદના શિખર ઉપર પૂર્ણિમાની મધ્યરાત્રીએ ચંદ્ર એવી રીતે સ્થીત થાય છે કે, જાણે સ્વયં ભગવાન સોમેશ્વરે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કરેલ હોય. મધ્યરાત્રીએ ભગવાન સોમનાથજીની મહાપૂજા-મહાઆરતી થાય છે. ભાવિકો કાર્તિકીપૂર્ણિમાએ સોમનાથ મહાદેવના મધ્યરાત્રીએ દર્શન, આરતી, ખગોળીય સંયોગની ઝાંખી દ્વારા શિવકૃપા પ્રાપ્ત થાય તેવા શુભાશય સાથે તમામ કાર્યક્રમો ટ્રસ્ટની વેબસાઈટ તથા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવેલ. જેમનો લ્હાવો દેશ-વિદેશમાં વસતા લાખ્ખો ભાવિકોએ લીધેલ હતો.

(11:45 am IST)