Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કેશોદના ઔધોગિક વિસ્તારોમાં અવાર નવાર બનતા ચોરીના બનાવોથી કેશોદ દોડી આવતા જિલ્લા પોલિસ વડા

વેપારીઓ સાથે મિટીંગ કરી યોગ્ય પગલા ભરવાની ખાત્રી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧: કેશોદના સોંદરડા અને અગતરાય ઔધોગિક વિસ્તાર અને સ્થાનિક શહેરમાં દિવાળી પછી એટલે કે છેલ્લા દશેક દિવસમાં દશથી વધુ ચોરીની ઘટનાઓ બનવાથી તસ્કરરાજ નો સિલસિલો ચાલુ રહેતાં વેપારીઓ રોષે ભરાઈ કારખાનાઓ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારતા ઈ.ચા. પોલિસ વડા પ્રદિપસિંહ જાડેજા કેશોદ દોડી આવી વેપારીઓ સાથે મિટીંગનુ આયોજન કરેલ હતુ.

કેશોદના કારખાનાં માલિકો ની રજુઆત સાંભળવા આવેલાં ઇન્ચાર્જ એસપી પ્રદીપસિંહ જાડેજાની ખાનગી કારખાનામાં મીટીંગ રાખવામાં આવી હતી જેમાં કેશોદના સોંદરડા અને અગતરાય ઔધોગિક વિસ્તારમાં આવેલા કારખાનામાં ચોરીની ઘટનાઓ રાત્રીના એક વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે બની રહી છે ત્યારે તસ્કરો ને કોઈ જાતનો કાયદાનો ડર ન હોય એમ બિન્દાસ ચોરીઓ કરી રહ્યાં છે. તસ્કરોને CCTV ફૂટેજના આધારે વહેલી તકે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવવા તથા ઔધોગિક વિસ્તારમાં પોલિસ છાવણી ઉભી કરી રાત્રી પોલિસ પેટ્રોલિંગ વધારવા કેશોદ મોબાઈલ એશોશીએશન નાં પ્રમુખ રાજુભાઈ બોદર,વેપારી અગ્રણી રાજુભાઈ કિકાણી સહિતના આગેવાનો એ ઇન્ચાર્જ એસપી પ્રદીપસિંહ જાડેજા ને રજુઆત કરી હતી.

મીટીંગના અંતે વેપારીઓની માંગણી મુજબ સોંદરડા ઔધોગિક વિસ્તારમાં એક કામચલાઉ પોલિસ છાવણી ઉભી કરવા અને રાત્રી પેટ્રોલીંગ વધારવા યોગ્ય કરવાની પ્રદિપસિંહ જાડેજાએ ખાત્રી આપેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ વિસ્તારમાં સિંગદાણાના કારખાના અને ઓઈલ મીલ અંદાજે ત્રણસો જેટલાં આવેલાં છે ત્યારે તસ્કરો કારખાનાનેજ વધુ નિશાન બનાવતા હોવાથી શહેરના ઔધોગિક વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ભયનું વાતાવરણ ઉભું થયેલછે. મિટીંગ દરમ્યાન ઈ.ચા. જિલ્લા પોલિસ વડાની સાથે કેશોદના DySp જે.બી.ગઢવી સાથે રહી વેપારીઓને સાંત્વના આપી હતી.

(9:24 am IST)