Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

કોટડાસાંગાણીના રાજપરા ગામના નિલેશ ગોહેલે વ્યાજની રકમ મામલે ફિનાઇલ પીધુઃ રાજકોટના ડોકટર સહિત ૪ સામે ગુન્હો

૧૦ ટકા વ્યાજે લીધેલ ૧ર.પ૦ લાખ ચુકવી દીધેલ હોવા છતા વધુ રૂપીયાની ઉઘરાણી માટે ૮ માસ પુર્વે નિલેશના ભાઇનું અપહરણ : કર્યુ'તું અને ત્રાસ આપતા'તાઃ રેટીના હોસ્પીટલના ડો.મુકેશ પોરવાલ, રાજુ તથા બે અજાણ્યા સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧: કોટડાસાંગાણીના રાજપરા ગામના યુવાને વ્યાજની રકમ મામલે અપાતા ત્રાસથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું અને ત્રાસ આપનાર રાજકોટના ડોકટર સહિત ૪ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ કરી છે.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણીના રાજપરા ગામે  ખેતી તથા મજુરી કામ કરતા  નિલેશ લલીતભાઇ ગોહેલ અનુ. જાતી (ઉ.વ.૩૩)એ ગઇકાલે સાંજે વ્યાજની રકમની ઉઘરાણીથી કંટાળી જઇ ફિનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો અને હોસ્પીટલના બિછાનેથી નિલેશે આરોપી રાજકોટ રેટીના હોસ્પીટલના ડો.મુકેશ પોરવાલ, રાજુભાઇ તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે કોટડાસાંગાણી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી નિલેશે ઇંટોના ભઠ્ઠા માટે પોતાના સગાભાઇ હરીશભાઇ મારફતે ડો.મુકેશ પોરવાલ પાસેથી અલગ-અલગ સમયે ૧રાા લાખ રૂપીયા ૧૦ ટકાના વ્યાજદરથી લીધા હતા જે રૂપીયા ચુકવી આપેલ હોવા છતાં બળજબરીથી ફરીયાદી નિલેશ તથા તેનાભાઇ પાસેથી વધારે રૂપીયા કઢાવવા માટે ડોકટર સહિતના ઉકત ચારેય શખ્સો ફોન ઉપર અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપતા હતા તેમજ ૮ માસ પુર્વે ફરીયાદી નિલેશના ભાઇનું અપહરણ કરી જાતી પ્રત્યે હડધુત કરી ફરીયાદી તથા તેના ભાઇ ઉપર માનસીક ત્રાસ ગુજારતા કંટાળી જઇ ફરીયાદી નિલેશે ફિનાઇલ પી લીધું હતું.

આ ફરીયાદ અન્વયે કોટડાસાંગાણી પોલીસે ડો.મુકેશ પોરવાલ સહીત ૪ સામે મનીલેન્ડ એકટ, એકટ્રોસીટી એકટ, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), પ૦૭, ર૯૪ (ખ), ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ચલાવી રહયા છે. (૪.૪)

 

(11:57 am IST)