Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જયરાજસિંહ જાડેજાને ૧૭મી સુધી ગુજરાત પ્રવેશની છૂટઃ નવા રાજકીય સમીકરણો

નિલેશ રૈયાણી હત્‍યા કેસમાં આજીવન કેદની સજા બાદ ગુજરાતની સરહદમાં નહીં પ્રવેશવાની શરતે સુપ્રિમે જામીન મંજૂર કર્યા હતાં: જયરાજસિંહે પત્‍નિની ચૂંટણી, ભત્રીજાના લગ્ન અને આર્થિક વ્‍યવહારો સાચવવા માંગેલી પરમીશન હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે

રાજકોટ તા. ૧: નિલેશ રૈયાણી હત્‍યા કેસમાં જન્‍મટીપની સજા પામ્‍યા બાદ સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં પ્રવેશવાની મનાઇ ફરમાવી આપેલા શરતી જામીન બાદ જયરાજસિંહ જાડેજાએ ચોક્કસ સમય માટે અને ચોક્કસ કારણોસર ગુજરાત પ્રવેશ માટે માંગેલી પરમીશન હાઇકોર્ટ જજ અકીલ કુરેશી અને બિરેન વૈષ્‍ણવ ની બેન્‍ચે ગ્રાહ્ય રાખી છે.

 જયરાજસિંહ જાડેજા તરફથી એડવોકેટ એસ.વી. રાજુ, પ્રશાંત ખંધેડીયા અને નરેન્‍દ્રસિંહ ઝાલાએ એવી રજૂઆત કરી હતી કે, પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાના સગા ભત્રીજાના લગ્ન લેવાયા છે, તેમના પિતાનો સ્‍વર્ગવાસ થયો હોવાથી ભત્રીજાની જવાબદારી પોતાના શિરે છે, આ ઉપરાંત ગોંડલ વિધાનસભાની સીટ ઉપરથી પત્‍નિ ગીતાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા હોવાથી સામાજિક-આર્થિક બંને જવાબદારીઓ પોતાના શિરે હોવાથી ચોક્કસ સમય માટે ગુજરાત પ્રવેશની છૂટ આપવી જોઇએ.

આ રજૂઆતને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ૧૭મી ડિસેમ્‍બર સુધી પ્રવેશની મંજૂરી આપતો હૂકમ આજે બપોરે કર્યાનું જાણવા મળે છે.

જયરાજસિંહના ગુજરાત પ્રવેશના દ્વાર ખૂલતા જ તેમના પત્‍નિ ગીતાબાની ચૂંટણીના સમીકરણોમાં પણ જબરદસ્‍ત બદલાવ આવશે તેવું રાજકીય ગણિતજ્ઞોનું માનવું છે.

 

(4:24 pm IST)