Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કચ્છની યુવતિ ઉપર દુષ્કર્મ આચરનાર લીંબડીનો શખ્સ ઝડપાયો

વઢવાણ તા. ૧ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધીધામની યુવતીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનો એક આરોપી હિરેન વિનોદભાઈ શ્રીમાળી ભોળવીને અપહરણ કરી, તેની સાંથે આરોપી હિરેન શ્રીમાળીએ દુષ્કર્મ કરવા બાબતની ફરિયાદ તા. ૨૨.૦૯.૨૦૧૭ ના રોજ રજીસ્ટર થયેલ હતી. જેની તપાસ ગાંધીધામ ખ્ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વી.એફ.ઝાલા દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આરોપી લીંબડીનો વતની હોઈ, લીંબડી પોલીસને જાણ કરી, આરોપી તથા ભોગ બનાનારને શોધી, મળી આવેતો, પકડી પાડી, ગાંધીધામ જાણ કરવા લીંબડી ખાતે મેસેજ કરવામાં આવેલ હતો.

તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોઈ, ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણી દ્વારા કચ્છ જિલ્લાના ગાંધીધામની સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સુરેન્દ્રનગર જિલ્લાનો હોઈ, સત્વરે પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી.

લીંબડી પોલીસને બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે બનેલ સગીરાના અપહરણના ગુન્હાનો આરોપી હિરેન શ્રીમાળી ભોગ બનનાર સગીરાને લઈ, લીંબડી ખાતે આવેલ છે. જે મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પોસઈ પ્રમોદસિંહ જાડેજા, જે.ડી.મહિડા, હેકો. મહેન્દ્રસિંહ, દશરથસિંહ, નંદલાલ સહિતના સ્ટાફ દ્વારા ગાંધીધામ ખાતેથી ભગાડી જનાર આરોપી હિરેનભાઈ વિનોદભાઈ શ્રીમાળી ઉવ. ૨૫ રહે. મૂળ લીંબડી, જી. સુરેન્દ્રનગરને તથા ભોગ બનનાર સગીરાને પકડી પાડી, આરોપી હિરેન વિનોદભાઈ શ્રીમાલિની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરવામાં આવેલ આરોપી અને ભોગ બનાનાર સગીરાને પકડ્યા બાબતે ગાંધીધામ પોલીસને જાણ કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આરોપી હિરેન વિનોદભાઈ શ્રીમાળીને સગીરા સાથે પ્રેમસંબંધ હોઈ, આ ગુન્હો આચારેલ હોવાની કબુલાત કરવામાં આવેલ છે. ગાંધીધામ પોલીસ દ્વારા લીંબડી પોલીસ પાસેથી આરોપી અને ભોગ બનાનારનો કબ્જો મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

(1:08 pm IST)