Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

હવે કોંગ્રેસ સાથે લેણાદેણી પૂરીઃ બાબુભાઇ મેઘજી શાહ

બળવો કર્યા બાદ એનસીપી વતી રાપરમાં ચૂંટણી લડતા બાબુભાઇ મેઘજી શાહે પ્રથમ જ વખત 'અકિલા' સમક્ષ કરી સ્પષ્ટતા : કોંગ્રેસની નેતાગીરીના નિર્ણયથી છું નારાજ

ભુજ, તા. ૧ : છ બેઠકો પૈકી સમગ્ર  કચ્છ સહિત ગુજરાતભરમાં અત્યારે સૌથી વધુ ચર્ચા પૂર્વ નાણામંત્રી અને ૭પ વર્ષીય જૈફ વયે કોંગ્રેસમાંથી બળવો કરીને એનસીપીમાંથી ચૂંટણી લડતા બાબુભાઇ મેઘજી શાહની છે. રાપર વિધાનસભા બેઠક બાબુભાઇ મેઘજી શાહની ઉમેદવારીના કારણે ત્રિપાંખીયા જંગમાં ફેરવાઇ છે.

પોતાની નારાજગી અને બળવા સંદર્ભે પ્રથમ જ વાર જાહેરમાં અકિલા સમક્ષ ખુલાસો કરતા બાબુભાઇ મેઘજી શાહે કોંગ્રેસ સાથે લેણાદેણી પૂરી થઇ હોવાની વાત સાથે શા માટે કોંગ્રેસ છોડી તેની સ્પષ્ટતા કરી હતી. રાપર મતવિસ્તારમાં જ આવતા પોતાના માદરે વતનના ગામ લાકડીયા મધ્યે અકિલાના પ્રતિનિધિ સાથે વાત કરતા બાબુભાઇ મેઘજી શાહે કહ્યું હતું કે કોંગ્રેસે રાપરમાંથી ચૂંટણી લડવાની મને ના પાડી, પણ કચ્છ જિલ્લાના કોંગ્રેસના ટીકીટ માટેના નીરીક્ષક દીપક બાબરીયાએ મને ભુજમાંથી ચૂંટણી લડવાની વાત કરી હતી, પરંતુ મે (બાબુભાઇએ) કહ્યું ૭પ વર્ષે મારો મત વિસ્તાર બદલાવવાને બદલે કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક રાજીવ સાતવ સમક્ષ માંગણી કરી હતી કે રાપરમાંથી કોંગ્રેસના અગ્રણી અશોકસિંહ ઝાલાને અપવા તો મારી પુત્રી જાગૃતિ બાબુભાઇ શાહને ટિકીટ આપો.

પણ થયું એવું કે મને ભુજની ટિકીટ કોંગ્રેસે ન આપી અને રાપરમાં છેક છેલ્લી ઘડીએ સંતોકબેન ભચુભાઇ અરેઠીયા નામના સાવ નવા જ ઉમેદવારને ટિકીટ આપી જેમના નામની રજુઆત કોઇએ પણ કરી ન હોતી તેમના પતિ ભચુભાઇ અરેઠીયાએ કોંગ્રેસ પાસે ટિકીટ માંગી હતી. છેલ્લી ઘડીએ નવા ઉમેદવારને ટિકીટ આપવાને બદલે મેં પક્ષ સમક્ષ જાગૃતિબેન મેઘજી શાહને કોંગ્રેસની ટિકીટ આપવા માંગ કરી હતી.

પોતાની જાહેરજીવનની ૧રમી ચૂંટણી લડતા બાબુભાઇ મેઘજીભાઇ શાહ કચ્છમાંથી સૌથી વધુ ચૂંટણી લડતા અને બધા જ પક્ષો વતી ચૂંટણી લડી ચૂકેલા ૭પ વર્ષના પીઢ અનુભવી રાજકારણી છે.

પ્રારંભમાં સ્વતંત્ર પક્ષ, પછી કોંગ્રેસ, ભાજપ, રાજપ અને ફરી છેલ્લે કોંગ્રેસમાં જોડાયેલા બાબુભાઇ મેઘજીભાઇ શાહ કહે છેક  કોંગ્રેસ સાથે મારી લેણા દેણી પૂરી થઇ. બાપુના ચુસ્ત ટેકેદાર બાબુભાઇ મેઘજી શાહે શંકરસિંહ બાપુના કોંગ્રેસ છોડવાના નિર્ણય અંગે ટીપ્પણી કરવાનું ટાળીને સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છું.

 

(12:12 pm IST)