Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

માણાવદર વિસ્તારના ૩૯ ઝોનલ ઓફિસરોએ મતદાનના દિવસે કોઇ ભૂલ ન થાય તે માટે ૫૦ પ્રશ્નોની પરીક્ષા આપી

તમામ પરીક્ષાર્થીઓને ૬૫ ટકા ઉપર માર્ક આવતા પરીક્ષામાં સફળ થયા

જૂનાગઢ તા.૧ : જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ચુંટણી તંત્રએ ચુંટણીની તૈયારીઓ પુરા આયોજન સાથે કરી છે. એક નવતર પ્રયોગના ભાગરૂપે અધિકારીઓને મતદાનના દિવસે નવા નિયમો,ચોકકસ અમલવારી અને એક પણ ચુક ન રહી જાય તે માટે આપેલ માહિતીની ચકાસણીના ભાગરૂપે માણાવદરની બેઠકના ચુંટણી અધિકારી કેયુર જેઠવાએ જિલ્લા ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ૩૯ ઝોનલ ઓફિસરો માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ પરીક્ષામાં તમામ ઓફિસર પાસ થઇ ગયા હતા.

આ અંગે માણાવદર વિધાનસભા મત વિસ્તારના ચુંટણી અધિકારી કેયુર જેઠવાએ જણાવ્યું હતું કે, ચુંટણીમાં તાલીમ આપ્યા પછી તેઓ શું સમજયા છે તે જાણવા માટે ફીડબેક પરીક્ષા ખુબ જરૂરી છે. તેનાથી વધું તાલીમની જરુરીયાત કે કોઇ મુદે સ્પષ્ટતા થઇ જાય છે. તાલીમ જ મુકત અને નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી પ્રકીયા માટે અગત્યની છે. માણાવદર વિસ્તારમાં ૩૯ ઝોનલ ઓફિસરની નિયુકતી કરવામાં આવી છે. તેમને તાલીમ આપ્યા બાદ ૫૦ પ્રશ્નોની પરીક્ષાનું આયોજન સમયમર્યાદા સાથે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઓફિસરોએ પાસીંગ કરતા વધું ૬૫ ટકા માર્કસ મેળવ્યા હતા.જે મુદા બરાબર સમજમાં ન આવ્યા હોય તેમને ફરીથી તે મુદે તાલીમ આપી હતી.

  અંગે પ્રતિભાવ આપતા ઝોનલ ઓફિસરોએ જણાવ્યું હતું કે પરીક્ષાને લીધે તેમનો ચુટણી કામગીરીમાં આત્મવિશ્વાસ વધ્યો છે. જે નવા મુદા વખતે ધ્યાનમાં લેવાના છે અને પ્રિસાઇડીંગ ઓફિસરે વીવીપેટની બાબતમાં સમયમર્યાદામાં જે કામગીરી કરવાની છે તે અંગે પરીક્ષાને લીધે વધું સ્પષ્ટ થઇ જતા હવે મતદાનના દિવસે ફરજમાં કોઇ મુશ્કેલી નહીં પડે તેમ જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં મહિલા મતદાનના બોર્ડ મરૂન કલરમાં લગાડાશે

જૂનાગઢ જિલ્લામાં વિધાનસભા વિસ્તારદીઠ એક મતદાન મથક મહિલા સંચાલિત રહેશે. જૂનાગઢ, માણાવદર, વિસાવદર, કેશોદ અને માંગરોળ મતદાર વિસ્તારમાં એક એક એમ કુલ પાંચ મતદાન મથકો મહિલા સંચાલિત રહેશે. આ મતદાન મથકોમાં પોલીસ બંદોબસ્તમાં પ મહિલા કર્મચારીઓ રહે તે પ્રમાણેનું શકય આયોજન કરાશે. મહિલા સંચાલિત મતદાન મથકને સખી અંતર્ગત નામ આપવામાં આવશે. ચુંટણીપંચની માર્ગદર્શીકા મુજબ મહિલા સંચાલિત મતદાન મથકનના બોર્ડ અને બેનર મરૂન કલર કોડમાં મુકવામાં આવશે.

(11:41 am IST)