Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જુનાગઢ જિલ્લામાં જવાનો માટે પોસ્ટલ મતપત્રકોની ઓનલાઇન ચૂંટણી તંત્ર દ્વારા સુવિધા

જૂનાગઢ તા. ૧ :  જૂનાગઢ જિલ્લાના મુળ વતની અને હાલ ભારતીય સેનામાં તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા સૈનિક મતદાર અને તેના પરિવારજનો મતદાન કરી શકે તે માટે ચુંટણી પંચની ગાઇડલાઇન મુજબ જિલ્લા ચુંટણી તંત્રએ પોસ્ટલ મત પત્રક જે તે રાજયમાં રવાના કર્યું છે. પ્રથમ વખત આ મત પત્રકો ઓન લાઇન અપલોડ કરી જેતે નોડલ ઓફિસ-રેકર્ડ ઓફિસને મોકલી દેવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં ૮૯૬ મતદારો સર્વિસ વોટર તરીકે રજીસ્ટર્ડ થયેલા છે. જેમાં માણાવદર વિધાનસભા વિસ્તારના ૧૭૬,જૂનાગઢના ૭૨, વિસાવદરના ૫૬,કેશોદના ૩૦૧ અને માંગરોળના ૨૮૪ એમ ૮૮૯ પુરુષ અને મહિલાઓમાં જૂનાગઢ ૪, વિસાવદર-૧ અને માંગરોળ-૨ એમ ૭ મહિલા સર્વિસ વોટર નોંધાયા છે. કુલ ૯૯૬ મતદારો નોંધાયા છે.

ગઇ તા.૨૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ જે તે ચુંટણી અધિકારી દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુ્પ્તાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી જી.વી.મીયાણી, એન.આઇ.સી. અધિકારી અતુલ ખુંટી સહિતના અધિકારીઓએ સર્વિસ વોટરની કામગીરી પુર્ણ કરી હતી.સીકયુરીટી અને ખરાઇ માટે સર્વિસ મતદારના મત આપેલ કવર ઉપર બારકોડ સ્ટીકર લગાડાશે. જે સ્વીકાર્ય બન્યા પછી મત ગણતરીમાં ધ્યાને લેવાશે. આવા મતપત્રક મતગણતરીના દિવસે એક કલાક અગાઉ સુધી સ્વીકારી શકાશે. પોસ્ટલ મતગણતરી સૌ પ્રથમ કરાશે પછી ઇવીએમની ગણતરી થશે.                       

પાંચ બેઠકના ડીસ્પેચીંગ અને રીસીવીંગ સેન્ટર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોના ઇવીએમ રવાના અને પરત કરવાના સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢમાં બહાઉદીન વિનયન કોલેજ, મધ્યખંડ હોલ,જૂનાગઢ ફોન.૦૨૮૫-૨૬૭૫૭૩૧, માણાવદરમાં સરકારી હાઇસ્કુલ,માણાવદર ફોન. ૦૨૮૭૪-૨૨૧૪૪૧, વિસાવદરમાં વી.ડી.પટેલ સંચાલિત માંડાવડ શૈક્ષણિક સંકુલ, તા.વિસાવદર મો.૯૬૮૭૬ ૮૫૧૦૨,કેશોદમાં જૂની ડીડીએલ હાઇસ્કુલ, વેરાવળ રોડ, કેશોદ મો.૭૫૬૭૦ ૦૩૧૬૯ અને માંગરોળ મામલતદાર કચેરી,માંગરોળ ફોન.૦૨૮૭૮-૨૨૨૦૦૦૯ ડીસ્પેચીંગ અને રીસીવીંગ સેન્ટર રહેશે.

(11:38 am IST)