Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભાવનગર પશ્ચિમ બેઠક ઉપર પાટીદાર પ્રભાવ નિર્ણાયક ભૂમિકામાં

જીતુભાઇ વાઘાણી અને દિલીપસિંહ ગોહીલ વચ્ચે ટક્કર

વાપી તા. ૧ :.. ગુજરાત વિધાનસભાની ૧૦પ નંબરની બેઠક એટલે ભાવનગર પશ્ચિમની બેઠક... આ વેળાએ ભાજપ તરફથી જીતુભાઇ વાઘાણી સામે કોંગ્રેસના દિલીપસિંહ ગોહીલ મેદાનમાં ઉતર્યા છે.

વિધાનસભા-ર૦૧૭ ની આ ચૂંટણી વેળાએ આ બેઠક વિશે જોઇએ તે પહેલા ભાવનગર શહેરના જાજરમાન ઇતિહાસની એક ઝલક જોઇએ તો...

વિક્રમ સવંત ૧૭૭૯ ની વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે શિહોરથી આશરે ૩૦ કિલો મીટર દૂર એક નવી રાજધાની વસાવી અને તેને ભાવનગર તરીકે ઓળખાવ્યું તે અકે રજવાડુ હતું.

પરંતુ દેશી રાજયોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઇ સાથે સૌપ્રથમ સહેમત થનાર અને પોતાનું રાજય ઘરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતાં.

હવે જો આપણે આ બેઠક વિશે જોઇએ. તો આ બેઠકમાં મહાનગરપાલિકામાં કુલ ૧૩ વોર્ડ અને પર બેઠક આવેલ છે. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષ બરાબરના બડીયા રહ્યા છે.

આ બેઠક પર ર,૪૧,૦૦૦ જેટલા મતદારો નોંધાયેલ છે. જેમાં ૪૦,૦૦૦ જેટલા દલિત મતદારો, ૩૭,૦૦૦ જેટલા કોળી મતદારો ૩પ,૦૦૦ જેટલા લઘુમતી મતદારો, ૩ર,૦૦૦ જેટલા ક્ષત્રીય મતદારો, ૩૦,૦૦૦ જેટલા પટેલ મતદારો, ર૪,૦૦૦ જેટલા બ્રાહ્મણ મતદારો, ૧પ,૦૦૦ જેટલા વણીક  મતદારો અને ર૮,૦૦૦ જેટલા અન્ય મતદારો આવેલ છે.

એવું મનાય છે કે આ બેઠક પર પાટીદાર પ્રભાવ ૩૦ થી ૪૦ ટકા જેટલો છે. હાલના ભાજપના પ્રમુખ અને આ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઇ વાઘાણી પણ પાટીદાર છે.

આ બેઠકના છેલ્લી ચૂંટણીનું પરીણામ જોઇએ તો ર૦૧ર ના વર્ષમાં ભાજપ તરફથી ઉભા રહેલ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના ઉમેદવાર ડો. મનસુખભાઇ કાનાણીને પ૪,૦૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા હતાં. આ વેળાએ જીતુભાઇ સામે કોંગ્રેસ માંથી દિલીપસિંહ ગોહીલ ઉતર્યા છે.

આ વેળાએ સમીકરણમાં થોડો બદલાવ આવ્યો છે. પાટીદાર સમાજની નારાજગી ભાજપને નડે તો એની અસર જીતુભાઇને પણ થઇ શકે. અને જો આવુ થાય તો એનો સીધો લાભ કોંગ્રેસના દિલીપસિંહને મળી શકે.

આ વેળાએ  જો આપણે ભાજપના ઉમેદવાર વાઘાણીને નજીકથી જોઇએ. તો ર૭ મી ઓકટોબર ૧૯૭૦ ના રોજ ભાવનગર જીલ્લાના વરતેજ ગામમાં જીતુભાઇનો જન્મ સરકારી હાઇસ્કુલમાં પ્રાથમિક અભ્યાસ બાદ ભાવનગરની એમ. જે. કોલેજ ઓફ કોર્મસમાંથી સ્નાતકની પદવી મેળવી એલ. એલ. બી. સુધી પહોંચ્યા છે.

જીતુભાઇ એલ. એલ. બી.ની ડીગ્રી ધરાવે છે પરંતુ વકીલાતની પ્રેકટીસ નથી કરતાં. પ્રારંભમાં એલ. આઇ. સી. અને હાલ બાંધકામ વ્યવસાય સાથે તેઓ જોડાયેલ છે.

જીતુભાઇની પારાવારીક જીવનની વાત કરીએ તો તેમની સફળ કારર્કીદીમાં તેમના પત્ની સંગીતાબેનનો સિંહ ફાળો રહ્યો છે. તેમને મીત વાઘાણી નામે એક પુત્ર અને ભકિત વાઘાણી નામે એક પુત્રી છે.

કોલેજ કાળથી જ નેતૃત્વના ગુણ ધરાવતા જીતુભાઇ અકિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી રહ્યા બાદ રાજકીય જવાબદારીઓ ઉપાડતા ગયા. ૧૯૯૦ માં તેઓ ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના સહમંત્રી તો ૧૯૯૩ માં પ્રમુખ બન્યા. માત્ર ૧૦ વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બન્યા તો ર૦૦૯ ના વર્ષમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બન્યા.

માત્ર ૩૮ વર્ષની વયે ર૦૦૭ ના વર્ષમાં ધારાસભ્યની ચૂંટણી લડયા. તો ર૦૧ર માં ધારાસભ્યની ચૂંટણી લડયા અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતોથી જીત મેળવી. વિદેશ પ્રવાસનો શોખ ધરાવતા જીતુભાઇ ગજબના હાજર જવાબી છે. કોઇપણ અટપટા સવાલનો જવાબ સરળતાથી અને સહજતાથી આપવામાં માહેર છે.

ભાજપ હાઇકમાન્ડે તેમની કાર્યશૈલીની નોંધ લઇ ઓગસ્ટ ર૦૧૬ માં ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી અને હાલતે ઓ સુપેરે આ  જવાબદારી સંભાળવા સાથે ભાવનગર પશ્ચિમ બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણીમાં પણ ફરી ઝંપલાવ્યું છે.

(11:38 am IST)