Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

બીલખા માંડણપરાના પાટીયે હનુમાન મંદિરના મહંતને નશીલુ પીણું પીવડાવી રોકડની ચોરીઃ સાધુ ૪ દિ'એ ભાનમાં આવ્યા

જુનાગઢ તા. ૧: બીલખાના માંડણપરાનાં પાટીયા પાસે આવેલ હનુમાન મંદિરનાં વૃદ્ધ મહંતને અજાણ્યા શખ્સો નશીલું પીણું પીવડાવી બેભાન કરીને રૂ. ૧૬૫૦૦ની મત્તા ચોરી ગયા હોવાનું પ્રકાશમાં આવેલ છે.

સાધુ ૪ દિવસે ભાનમાં આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જુનાગઢ જિલ્લાનાં બીલખા પાસે માંડણપરા ગામનાં પાટીયા પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે. જેના મહંત સત્યાનંદજી ગુરૂ અભ્યાનંદજી (ઉ.વ.૭૧) ગત તા. ૨૬-૧૦ના સાંજે ૪ વાગ્યાની આસપાસ મંદિરે એકલા હતા.

ત્યારે અજાણ્યા શખ્સો મંદિરે દર્શનના બહાને આવેલ બાદમાં વૃદ્ધ મહંતને પ્રવાહીમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરી દીધા હતા. બાદમાં આ ઇસમો દ્વારા રૂ. ૧૨ હજારની રોકડ અને ચાંદીની છ વિંટી મળી કુલ રૂ. ૧૬૫૦૦ની માલમત્તાની ચોરી કરીને નાસી ગયા હતા.

દરમ્યાનમાં એક સેવક મંદિરે ગયેલ અને તેમને સાધુ બેશુદ્ધ હોવાનું જણાતા તેમણે ૧૦૮ મારફત બીલખા ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

ગઇકાલે સત્યાનંદજી ભાનમાં આવતા તેઓએ ઉપર મુજબની ફરિયાદ લખાવતા બીલખા પોલીસે ગુનો નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

આ બનાવથી સાધુ-સંતો અને ભકતોમાં ચકચાર મચી ગઇ છે.(૧.૧૨)

(3:43 pm IST)