Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

મોરબી: સાધુ ભજન કરે એ જ સમાજની મોટી સેવા છે, ભજનના ભોગે કોઇ પ્રવૃત્તિ થવી ના જોઈએ. પૂ. મોરારીબાપુ

સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે તલગાજરડી વ્યાસપીઠ હંમેશ પહેલ કરતી આવી છે.આજે બાપુએ કથાના સમયને મોડો કરી હાથમાં સાવરણો લઈ અને સંતો,મહંતો અને રાજનેતાઓને સાથે રાખીને દિલથી મનથી કબીર આશ્રમમાં પોણો કલાક સુધી સફાઈ અભિયાન અને શ્રમદાન કર્યું હતું.

    આજની કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું કે અહીં બીજપંક્તિ રૂપે બે દોહા લીધેલા છે.એક દોહામાં ત્રણ વસ્તુ કહી છે, એક માનસ એટલે હિમાલયનું માનસરોવર, બીજું માનસ આપણા ઘરમાં,ઘટમાં રહેલી માનસપોથી અને ત્રીજું માનસ એટલે હૃદય આ ત્રણેયને સમજવામાં આપણને અગમતા પડે છે. તેને સમજવા માટે શ્રદ્ધા, સાધુનો સંગ અને પરમાત્મા તરફનો પ્રેમ જરૂરી છે. માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે.
  રાજસિ શ્રદ્ધા એને કહેવાય જેમાં શ્રદ્ધા તો હોય,પણ ડોલી જતી હોય,ક્યારેક અહીં,ક્યારેક ત્યાં રજોગુણ સ્થિર ન થવા દે, સાત્વિક શ્રદ્ધાને તુલસીજીએ ગાયનું રૂપ આપ્યું છે.ગામડામાં ઘણી ગાય એવી હોય છે પ્લાસ્ટિક ખાય,ન ખાવા જેવી વસ્તુમાં પણ માથું મારે, માણસના જીવનમાં આટલી વસ્તુ એક હોવી જોઈએ:પંથ એક હોવો જોઈએ. ઘણા લોકો કબીર પંથે ચાલે છે.એ માર્ગ પકડ્યા પછી કોઈ બીજાના માર્ગની નિંદા નથી કરતા.ઘણી શ્રદ્ધા તમોગુણી હોય છે.આવી શ્રદ્ધાને કારણે લોકો લડતા હોય છે.અમુક ગાયો દીવાલમાં શિંગડુ ઠોક્યા જ કરે છે.દિવાલ એની સુરક્ષા માટે છે છતાં અકારણ શીંગડા મારે છે તેવું માર્મિક રીતે કહ્યું હતું.
    કબીર સાહેબે એવા જ એક કાળે નિદાન કરેલું અને ખુલ્લીને સમાજમાં આવેલા, તંત્રની સાધના કરનારા પણ ક્યારેક તામસી ઉપાસક દેખાય છે.સાત્વિક શ્રદ્ધા એ રૂપાળી ગાય છે.આપણને ગમે છતાંય અંતે આપણે ત્રણેય ગુણોની શ્રદ્ધાથી બહાર નીકળવું રહ્યું.જેને ગુણાતિત શ્રદ્ધા કહે છે.એ શ્રદ્ધા જેનામાં નથી એના માટે માનસ અગમ છે.જેમ યાત્રા કરીએ તો ભાથું જોઈએ.સારો સંગાથ જોઈએ. સાધુનો સંગ જરૂરી.સાધુની અનેક વ્યાખ્યાઓ થઈ છે.રામ પણ વ્યાખ્યા કરતા થાકી ગયા.અરણ્યકાંડની સમાપ્તિમાં એક છંદ વખતે રામ કહે છે કે સાધુના જેટલા લક્ષણો છે એને સરસ્વતી અને શેષનારાયણ પણ વર્ણન ન કરી શકે.સાધુમાં પણ રજોગુણ હોય છે,આ આલોચના નથી.ભજન ચૂકી જાય એટલી પ્રવૃત્તિ કરે.ભજનના ભોગે કોઈ પ્રવૃત્તિ ન થવી જોઈએ.
મોરારીબાપુએ કથામાં કહ્યું કે, આજે આ સ્વચ્છતા કાર્યક્રમ કર્યો પણ મારો મૂળ કાર્યક્રમ તો માનસનું ગાન છે હું સમાજની આંતર બાહ્ય સ્વચ્છતા જન્મોથી કરતો આવ્યો છું. સાધુ ભજન કરે એ જ સમાજની મોટી સેવા છે. ઘણા સાધુ અત્યંત સાત્વિક, સૌમ્ય, શાંત હોય છે. જે માણસ શાંત હોય એના વર્ણમાં ફેર પડે છે એમ યોગશાસ્ત્ર કહે છે. ઘણા સાધુ તમોગુણી હોય છે,વાંધાઓમાં જ જિંદગી કાઢી નાખે છે.પણ ગુણાતિત સાધુ જરૂરી છે. ગુણનો એક અર્થ થાય છે દોરડું-રાશ, આપણને ગુણાતિત સાધુનો સંગ જરૂરી છે, તો માનસ સુગમ પડે છે.

(11:35 pm IST)